ભારતીય પ્રવાસીઓ માટે બ્રિટને પ્રવાસ-નિયંત્રણો હળવા કર્યા

લંડનઃ બ્રિટનની સરકારે ભારત માટેના પ્રવાસ નિયંત્રણોને આજથી હળવા કરી દીધા છે. તેણે પોતાની યાદીમાં ભારતને ‘લાલ’માંથી ‘એમ્બર (ઘેરો પીળો રંગ)’ની કેટેગરીમાં મૂકી દીધું છે. આને લીધે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના બંને ડોઝ લેનાર ભારતીય પ્રવાસીઓને બ્રિટનમાં આવી પહોંચ્યા બાદ ફરજિયાત 10-દિવસની હોટેલ ક્વોરન્ટીન સ્થિતિમાં રહેવું નહીં પડે.

બ્રિટનના આરોગ્ય અને સામાજિક સારસંભાળ વિભાગ (DHSC) તરફથી એ સમાચારોની પુષ્ટિ કરવામાં આવી છે કે બ્રિટને રવિવાર, 8 ઓગસ્ટના સવારે 4 વાગ્યાથી ભારતને એમ્બર લિસ્ટમાં મૂકી દીધું છે. તેથી ભારતમાં કોરોના રસી પૂરી લઈ ચૂકેલા ભારતીયોને બ્રિટનમાં આવી પહોંચ્યા બાદ 10-દિવસ માટે કોઈ સરકાર માન્ય કેન્દ્રમાં અને વ્યક્તિદીઠ 1,750 પાઉન્ડના અતિરિક્ત ખર્ચ ઉપર ફરજિયાત સેલ્ફ-આઈસોલેશનમાં રહેવું નહીં પડે, પરંતુ એમણે ફરજિયાત લોકેટર ફોર્મમાં દર્શાવેલા એમના ઘરમાં કે નિર્ધારિત લોકેશન (સ્થળ) ખાતે આઈસોલેટ સ્થિતિમાં રહેવું પડશે. મતલબ કે તેઓ હોટેલ ક્વોરન્ટિનને બદલે હોમ ક્વોરન્ટિન રહી શકશે. પ્રવાસીઓએ તેઓ ભારતમાંથી બ્રિટન માટે રવાના થાય એના 3 દિવસ પહેલાં કોરોના ટેસ્ટ કરાવી હોવી જોઈએ અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવો જોઈએ. બ્રિટને સ્પષ્તા કરી છે કે ભારતમાં બનાવવામાં આવેલી ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકા રસીને બ્રિટનની મેડિસીન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યૂલેટરી એજન્સીએ માન્યતા આપી દીધી છે.