મેં તને કહ્યું છે ને કે દીકરીને સાંજે વધારે બહાર ન રહેવા દે

‘કુમકુમ બેટા, જલ્દી આવ. ક્યાં છો અત્યાર સુધી? સાંજ પડી ગઈ.’ સુધીરભાઈએ પંદર વર્ષની દીકરીને ફોન પર કહ્યું.

‘મેં તને કહ્યું છે ને કે દીકરીને સાંજે વધારે બહાર ન રહેવા દે. જુવાન થઇ છે હવે ધ્યાન રાખ તેનું.’ સુધીરભાઈએ ફોન પૂરો થયા બાદ તેની પત્ની ઉમાને સંબોધીને કુમકુમ વિશે સૂચના આપી.

‘તેના બેડમિંટનના ક્લાસ તો સાંજના જ હોય છે ને, કેવી રીતે ઘરમાં રહે?’ ઉમાએ ચાનો કપ સુધીરભાઈના હાથમાં પકડાવ્યો.

‘શું જરૂર છે બેડમિંટનના ક્લાસની? એટલો સમય વાંચવા-લખવામાં ધ્યાન આપે તો કઈંક ભલું થાય. આ રમત-ગમતમાં તે કઈ ફ્યુચર થોડું છે.’ છાપાનું પાનું ફેરવતા સુધીરભાઈ બોલ્યા.

‘હા, ફ્યુચર તો નથી. જુઓને આટલો મોટો દેશ છે પણ ઓલમ્પિકમાં મેડલ માટે કેવા સાંસા થઇ રહ્યા છે. કોઈ પોતાના બાળકોને રમતગમત માટે પ્રોત્સાહિત જ ન કરે તો પછી ફ્યુચર ક્યાંથી હોય?’ ઉમાએ રસોડામાંથી જ જવાબ આપ્યો.

‘હું કુમકુમના ફ્યુચરની વાત કરું છું. તું કોની વાત કરે છે?’

‘કઈ નહિ જવા દો. કહી દઈશું આજે આવશે એટલે કુમકુમને કે આ બેડમિંટનના ક્લાસ બંધ કરીને કઈંક ભણવા ગણવામાં ધ્યાન આપે. કોઈક બેંકમાં કે શાળામાં નોકરી મળી જાય અને બધાના બાળકો જે રીતે જિંદગીમાં સેટ થાય તેમ આપણી દીકરી પણ થાળે પડે એટલે આપણું ટેંશન જાય.’ ઉમાની વાણીમાં જાણે એક તિરસ્કાર હોય તેવું લાગતું હતું.

‘તું કહેવા શું માંગે છે?’

‘કઈ નહિ. છોકરી નાની મોટી નોકરીમાં ગોઠવાઈ જાય અને પછી થોડો કરિયાવર કરીને સાસરે મોકલી આપીએ એટલે આપણી જવાબદારી પુરી. આપણે તો પોતાનું જ વિચારવાનું ને. છોકરીને શું ગમે છે તેની ચિંતા કરવા રહીએ તો તો આપણો આરો ન આવે.’ ઉમા રસોડામાંથી બહાર આવીને નેપકીન વડે હાથ લૂંછતા સુધીરભાઈ સામે સોફા પર બેઠી.

‘તું કટાક્ષ કરે છે કે શું? તું જ સમજાવ મને આ બેડમિન્ટન રમીને એ શું કરશે? તેમાં શું ભવિષ્ય છે તેનું? જોયું છે કોઈને આગળ વધતા સ્પોર્ટ્સમાં? આપણે ત્યાં તો ક્રિકેટને છોડીને બીજા કોઈની કદર જ નથી, અને તેમાંય ખેલાડીઓ માટે દેશમાં કોઈ સુવિધા નથી. અમસ્તા જ સપના જોવાનો કોઈ અર્થ નથી. પ્રેક્ટિકલ બનીને દીકરીના ભણતર પર ધ્યાન આપ અને બધા લોકો જેમ કરે છે તેમ જ આપણે પણ દીકરીને સેટ કરી દઈએ એટલે ગંગા નહાયા.’ સુધીરભાઈ પોતાની પત્નીને સમજાવવાની કોશિશ કરવા કરતા વધારે તો પોતાને જ સમજાવતા હોય તેવું લાગતું હતું.

‘જુઓ, હવે જયારે તમે જ વાત માંડી છે તો કહી દઉં કે આ સહેલો માર્ગ હોઈ શકે પણ ઉત્તમ માર્ગ તો નથી જ. જયારે કુમકુમને બેડમિંટનનો શોખ છે અને તેમાં આગળ વધવા માંગે છે તો આપણે શા માટે તેને એક ચાન્સ ન આપવો? શક્ય છે કે તેના નસીબમાં કૈક વધારે સારું લખ્યું હોય. શું ખબર કાલે ઉઠીને તે પીવીએસ સિંધુની જેમ દેશને મેડલ અપાવે.’ ઉમાએ આશાભર્યા સવારે કહ્યું.

‘ઓલમ્પિક સુધી પહોંચવું આસાન નથી. તેના પહેલા કેટલાય બીજા પડાવો પાર કરવા પડે છે અને…’ સુધીરભાઈનું વાક્ય પૂરું થાય તે પહેલા કુમકુમ ઘરમાં પ્રવેશી.

‘શું વાત ચાલે છે ઓલમ્પિકની? આજે જ તો નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ મળ્યું. દેશને ગોલ્ડ અપાવીને કેટલી ખુશી થઇ હશે તેને? આંખોમાં આંસુ આવી જાય તેવો સીન હતો એ સમયે. મને તો ખરેખર જ રડવું આવી ગયું. થોડા વર્ષોમાં હું પણ ગોલ્ડ મેડલ લાવીશ દેશ માટે અને ઓલમ્પિકના મેદાનમાં જન ગણ મન ગવાતું હશે તે વિચારીને હું તો અત્યારથી જ ઉતેજીત થઇ જાઉં છું.’ કુમકુમે ઘરમાં પ્રવેશતા જ કહ્યું.

‘જો આ ઓલમ્પિકના સપના જોવાનું બંધ કર અને ભણવા પર ધ્યાન આપ. આપણે ઘરે ખજાનો નથી કે તારા આવા રમતગમતના શોખ પુરા કરી શકીએ.’ ઉમાએ કુમકુમને ટોકતા કહ્યું અને સુધીરભાઈના ચેહરાના પ્રતિભાવો જોયા.

‘આજે જ તો મારૂ સિલેકશન થયુ છે ડિસ્ટ્રિક્ટ લેવલ માટે અને તું મને રમવાની ના પાડે છે મમ્મી? ‘ કુમકુમે આશ્ચર્યથી પુછ્યું.
‘શું વાત કરે છે?’ સુધીરભાઈને માટે તે નવાઈની વાત હતી.
‘હા પપ્પા, એટ્લે જ તો થોડું મોડુ થયું.’ કુમકુમે ખુશ થતાં કહ્યું.

‘પણ મે કહ્યું ને, અત્યારે આપની પાસે ખજાનો નથી તારા આ શોખ પૂરા કરવાનો. ચૂપચાપ ભણવા પર ધ્યાન આપ.’ ઉમાએ થોડી સખ્તાઈથી કહ્યું.

‘અત્યારથી એ બધી ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે તો રમવા દે કુમકુમને. પણ જો ભણવામાં ધ્યાન આપવાનું ચૂકીશ નહિ હો બેટા.’ સુધીરભાઈએ છાપું ટેબલ પર મૂક્યું અને ચાનો છેલ્લો ઘૂંટડો ભરીને કપ ઉમા સામે ધર્યો.

‘પણ તેના કરતા તો છોકરીને બેંકમાં કે શાળામાં નોકરીએ લગાડી દઈએ અને સાસરે વળાવી દઈએ એ સારું નહિ?’ ઉમાએ પૂછ્યું. તેને ખબર હતી કે સુધીરભાઈએ હમણાં જ આ શબ્દો કુમકુમની ગેરહાજરીમાં બહુ ભારપૂર્વક કહેલા.

‘શું? તમે મને સ્પોર્ટ્સમાં નહિ જવા દો? બેન્ક કે શાળામાં તો બધા જાય છે. મને બેડમિન્ટનમાં આગળ જવું છે. પપ્પા, પ્લીઝ. તમે તો મમ્મીની વાતોમાં ન આવો. તેને તો બસ પોતાનું ટેંશન ઓછું કરવું છે મને પરણાવીને. તમે જ સમજાવોને એને કે મને જયારે સ્પોર્ટ્સનો શોખ છે તો એક ચાન્સ તો આપે.’ કુમકુમે સુધીરભાઈ સામે હાથ જોડીને વિનંતી કરતા કહ્યું. તેની આંખોમાં આશા અને ઉમાની આંખોમાં કટાક્ષ છતાં થતા હતા.

‘તું જરાય ચિંતા ન કર કુમકુમ. તને જે ગમે તે કર.’ સુધીરભાઈએ ઉમાની આંખો પરથી નજર હટાવીને કહ્યું અને તેઓ જોઈ શક્યા કે તેની પત્નીના ચેહરા પર હલકું સ્મિત આવી રહ્યું હતું.

‘થેન્ક યુ પપ્પા.’ કુમકુમ સુધીરભાઈને ભેંટી પડી અને સુધીરભાઈએ ઉમાને રસોડામાં જતા જોઈ. તેમને ખબર હતું કે તેમને આ નિર્ણય કરાવવા માટે જવાબદાર કોણ હતું.

‘અમે રાહ જોઈશું તારી ઈન્ડિયા માટે ગોલ્ડ મેડલ લાવવાની.’ સુધીરભાઈએ દીકરીને માથે હાથ ફેરવતા કહ્યું. ઉમાની આંખ ભીની થઈ આવી.

 

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)