જયારે દિવસ સારો ન જતો હોય ત્યારે તેને જતો રહેવા દેવો જ સારો

અશોકભાઈ આજે સવારે થોડા વહેલા ઉઠી ગયા. પલંગની બાજુમાં રાખેલા ટેબલ પરથી પોતાના ચશ્મા ઉઠાવી આંખો પર ગોઠવ્યા. મોટું બગાસું ખાધું અને હાથ ખેંચીને આળસ મરડી.

વિભાછાપું ક્યાં છે?’ ચશ્માં પાસે ટેબલ પર છાપું ન જોયું એટલે પોતાની પત્નીને અવાજ દીધો.

હજી નથી આવ્યું.‘ વિભાએ રસોડામાંથી જવાબ આપ્યો.

સવારનો નિત્યક્રમ પતાવીને સોફા પર બેઠા ત્યાં પત્ની ચાનો કપ લાવી. અશોકભાઈએ પોતાની સામે ટીપોય પર મેગેઝીન પડ્યું હતું તે ઉઠાવ્યું અને પાના ફેરવતા ચા પીવા લાગ્યા. હજી ચા પુરી નહોતી થઇ ત્યાં છાપું આવી ગયું એટલે તેમણે તરત જ સમાચારની મુખ્ય લાઈનો જોઈ લીધી. બે-ત્રણ લેખ વાંચીને નહાવા ગયા. તૈયાર થઈને ઓફિસ જવા પત્નીએ તૈયાર કરેલું ટિફિન ઉઠાવ્યું અને કારમાં બેઠા.

બે વખત સેલ્ફ માર્યો પરંતુ કાર ચાલુ ન થઇ એટલે અશોકભાઈને યાદ આવ્યું કે બેટરી બદલવાની હતી. લાગે છે હવે ચાલુ નહિ થાય. બહાર આવીને તેમણે ઉબર બુક કરવા મોબાઈલ કાઢ્યો. પહેલી ટેક્ષી આઠ મિનિટ બાદ બતાવતી હતી. ‘આટલી વાર તો ક્યારેય નથી થતી ઉબર મળવામાં?’ તેમણે મનોમન કહ્યું અને પછી જલ્દીથી ટેક્ષી બુક કરી લીધી. મોબાઈલ એપ પર ગાડી આવવાનો સમય અને તેનું લોકેશન અપડેટ થવા લાગ્યું. આઠ મિનિટની નવ થઇ ગઈ અને પછી બાર મિનિટ બતાવવા લાગી. ‘અરે આ શું થઇ રહ્યું છે. આઠની બાર મિનિટ થઇ ગઈ. પહેલાથી જ સાચો ટાઈમ કેમ નહિ બતાવતા હોય?’ ફરીથી તેઓ ચિડાયા.

શું થયુંકેમ બહાર ઉભા છો?’ પોતાના પતિને ગેટ પાસે હાથમાં મોબાઈલઓફિસ બેગ અને ટિફિન લઈને ઉભેલા જોઈને પત્ની બહાર આવી.

અરે આ બેટરી બદલવી પડશે ગાડીની. અને જો ને આ ઉબર પણ સવાર સવારમાં એટલી ડિમાન્ડમાં છે કે મળતી જ નથી.

અંદર બેસો આવશે ત્યારે બહાર આવી જજો.

એટલામાં અશોકભાઈને મોબાઈલ પર કોલ આવ્યો.

હા કોણ?’

સર મેં ઉબર સે બોલ રહા હું. આપકો કહા લેને આના હૈ?’ ફોન પર ડ્રાઈવર હતો.

ભાઈ લોકેશન તો આપ્યું છે ને એપમાં. આવી જા ત્યાં. જલ્દી આવ. મોડું થાય છે મને.‘ અશોકભાઈના અવાજમાં ચીડ હતી.

સર આપ કેન્સલ કર કે દૂસરીબાર બુક કર દીજિયે. મેં થોડા દૂર હું. આપકો દેર હો જાયેગી.‘ ડરાઇવરે કહ્યું.

હું કેન્સલ શા માટે કરુંજો આવવું નહોતું તો તે રિકવેસ્ટ એક્સેપટ શા માટે કરી?’ અશોકભાઈનો પીતો હવે છટક્યો હતો.

સર સમજીયે આપ. માઇ નહિ કર શકતા કેન્સલ. આપ કર દીજિયે ઓર જલ્દી સે દૂસરી ઉબર બુક કર લીજીયે.

તમે બધા ચોર છો. હું ઓટોમાં જતો રહીશ.‘ અશોકભાઈએ ફોન કાપ્યો અને ઉબર કેન્સલ કરી પોતાની ઓફિસબેગ અને ટિફિન ઉઠાવી બહાર નીકળ્યા શેરીના નાકેથી રીક્ષા પકડવા.

રીક્ષા… રીક્ષા…‘ અશોકભાઈએ હાથ બતાવ્યો અને એક પછી એક ત્રણ ચાર રીક્ષાને રોકવાની કોશિશ કરી પણ બધી જ ભરેલી હતી. પાંચેક મિનિટ પછી એક રીક્ષા ઉભી રહી.

ક્યાં જવું છે?’ રિક્ષાવાળાએ પૂછ્યું.

અશોકભાઈએ ઠેકાણું બતાવ્યું કે રીક્ષા જતી રહી.

અરે ભાઈ નથી જવું તો બોલ તો ખરા.‘ પરંતુ અશોકભાઈનું વાક્ય પૂરું થાય તે પહેલા રીક્ષા જતી રહી હતી.

દશ મિનિટ પછી અશોકભાઈ દોઢું ભાડું આપીને એક રિક્ષામાં બેઠા હતા. ઓફિસ પહોંચ્યા ત્યાં સુધીમાં લગભગ અડધો કલાક મોડું થઇ ગયેલું.

બોસે તમને યાદ કર્યા છે.‘ તેમની સેક્રેટરીએ કહ્યું.

ઓકે. જાઉં છું.‘ કહેતા અશોકભાઈ બોસની ઓફિસમાં ગયા.

અશોકભાઈબેસો. તમારી સાથે આ વર્ષના પ્રોફિટ અંગે વાત કરવી છે. કંપનીનું રિઝલ્ટ સારું દેખાતું નથી. જો આ છેલ્લા ક્વાર્ટરમાં સારો પ્રોફિટ નહિ થાય તો મારે પ્રેસ કોન્ફ્રન્સ કરીને જાણ કરવી પડશે. શેરના ભાવ ગગડી જશે.‘  બોસ ચિંતામાં હતા.

હા સર. રિઝલ્ટ થોડું નબળું છે પરંતુ તમને તો ખબર છે કે આપણા રો મટિરિઅલની સપ્લાઈ મોંઘી થઇ ગઈ છે અને વચ્ચે કંપનીમાં હડતાલ પણ…‘ અશોકભાઈ કહી રહ્યા હતા કે બોસે તેમને વચ્ચે જ કાપ્યા.

આઈ નો ઓલ ઘીસ. ગીવ મી સોલ્યુશન. પ્રોબ્લેમ ન બતાવો. ઉપાય લાવો.‘ બોસે ગંભીર અવાજે કહ્યું.

સર સિચ્યુએશન આપણા હાથમાં નથી. આ બધા ફેક્ટર્સની અસર તો પ્રોફિટ પર થવાની જ નેહાઉ કેન વી…

અશોકભાઈપ્લીઝ. મારી સાથે આર્ગ્યુમેન્ટ ન કરો. જાઓ મિટિંગ કરો બધા મેનેજર્સની અને સૂચનો લાવો આ વર્ષની પ્રોફિટેબીલીટી જાળવવા માટે. યુ મેય ગો નાવ.‘ કહીને બોસે તેમને ઠપકો પણ આપી દીધો અને ઓફિસનો દરવાજો બતાવી દીધો.

ઓકે સર.‘ કહેતા અશોકભાઈ ઓફિસની બહાર નીકળ્યા.

બધા મેનેજર્સની મિટિંગ ફિક્સ કરો આજે બપોરે ત્રણ વાગ્યે.‘ તેમને પોતાની સેક્રેટરીને ફોન પર સૂચના આપી.

સર આજે તો પ્લાન્ટ મેનેજર ટુર પર છે. ફાઇનાન્સ મેનેજર રજા પર છે. શું કરુંબીજા લોકોને બોલાવું કે રાહ જોવી છે?’ સેક્રેટરીએ જવાબમાં પૂછ્યું.

આ બધું આજે જ થવાનું હતુંવેઇટ કરી લો.‘ અશોકભાઈનો મૂડ વધારે ખરાબ થયો.

પછીની ત્રણ કલાક દરમિયાન કઇંકને કઈંક એવું બનતું રહ્યું જેનાથી અશોકભાઈનો દિવસ તેમની ઈચ્છાથી તદ્દન વિરુદ્ધ વીતી રહ્યો હતો.

ખબર નહિ શું થઇ રહ્યું છે આજે. સવારથી જ બધું ઊંધું પડે છે.‘ અશોકભાઈએ લંચ પછી વિભા સાથે ફોન પર વાત કરતા કહ્યું.

હોઈ શકે કોઈ કોઈ દિવસ ખરાબ. બધાય દિવસ સરખા ન હોય.‘ વિભાબેને ધ્યાનથી પોતાના પતિની વાત સાંભળી અને તેમને શાંત પડતા કહ્યું.

અરે પણ આમ તો કેમ ચાલેકરવાનું શું આવા સમયે?’

જયારે દિવસ સારો ન જતો હોય ત્યારે તેને જતો રહેવા દેવો જ સારો. વિપરીત પરિસ્થિતિમાં જેટલી ઓછી ક્રિયા અને જેટલી ઓછી પ્રતિક્રિયા થાય એટલું નુકસાન ઓછું.‘ વિભાબેને પોતાની સલાહ આપી.

અશોકભાઈનો પ્રશ્ન કોઈ ઉપાય કે સલાહ માટે નહોતો પરંતુ તેમની પત્નીએ જે કહ્યું તે તેમને રામબાણ ઈલાજ જેવું લાગ્યું.

ત્યાર પછીના સમયમાં અશોકભાઈએ જેમાં નિર્ણય લેવાનો હતો તેના માટે ‘કાલે જોઈશું‘ કહીને સેક્રેટરીને એ ફાઈલ બાજુ પર મુકવા કહ્યું. જે મિટિંગ હતી તે બીજા દિવસે શિફ્ટ કરાવી દીધી અથવા તો ફરજીયાત હોય તો તેમાં બોલવાને બદલે સાંભળવાનું રાખ્યું. જ્યાં પોતાની સૂચના આપવાની આવશ્યકતા હતી ત્યાં કહ્યું ‘હું વિચારીને તમને કહીશ.

જોતજોતામાં સાંજ પડી ગઈ. દિવસ ચડતા ચડતા વધારેને વધારે નુકસાન દેખાઈ રહ્યું હતું તે દિવસ અશોકભાઈએ સ્થિરતા અને સંયમથી પસાર કરી દીધો. તેમની પત્નીની સલાહથી અને તેના પર કરેલા અમલથી તેમને સમજાઈ ગયું હતું કે બધા દિવસ સરખા ન હોય. તેમને એ પણ ખાતરી હતી કે આવનારો દિવસ સારો જ હશે.

(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ ભારતીય હાઈ કમિશન, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)