રાજ્યમાં ત્રણ દિવસ માવઠાની શક્યતાઃ ગોંડલમાં કરાં સાથે વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં વારંવાર માવઠું થઈ રહ્યું છે. ક્યાંક વરસાદ, ક્યાંક આંધી-વંટોળ તો કોઈ ભાગોમાં કરાં પડી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા એપ્રિલથી ગુજરાત અને દેશમાં ફરીથી વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. વરસાદ આવતાં વાતાવરણમાં વધઘટ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે  હજી પણ ત્રણ દિવસ માવઠાનું જોર રહેશે. આગામી 5, 6 અને 7 એપ્રિલે રાજ્યમાં છૂટોછવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતો ચિંતામાં છે.

દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તાપમાન અને રાજકોટમાં સૌથી વધુ 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલનું તાપમાન સામાન્ય કરતાં પણ નીચું છે. આ સિવાય મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. આ સિવાય સુરત, તાપી. ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે.

રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરાં સાથે વરસાદ પડ્યો છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોના વાતવરણમાં પલટો આવ્યો છે. ગોંડલ તાલુકાના પાટિયાળી કોડિથર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાં ખેડૂતોને ભારે નુકસાનના અહેવાલ છે.

રાજ્યમાં એપ્રિલ 23થી 30 સુધીમાં પણ માવઠાનું સંકટ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વારંવાર માવઠાનું સંકટ વધ્યું છે. 22થી 25 મે સુધીમાં આંધી-વંટોળ સાથે વરસાદની શક્યતા છે. ભાવનગર, મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી અને ડાંગ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડવાની સંભાવના છે. હાલમાં ગુજરાતમાં દરેક જગ્યાએ તાપમાન જે હોવું જોઈએ તેનાથી 2 થી 3 ડિગ્રી ઓછું છે. ત્યારે આગામી 24 કલાકમાં ગુજરાતમાં તાપમાનમાં એક-બે ડિગ્રીનો વધારો-ઘટાડો થવાની શક્યતા છે.