બેફામ ડ્રાઈવિંગને બિન-જામીનપાત્ર ગુનો બનાવવાનું સૂચન

મુંબઈઃ બેફામ રીતે વાહન હંકારીને સ્વયં તેમજ સહપ્રવાસીઓનો જાન તેમજ રાહદારીઓના જાનને જોખમમાં મૂકવાના બનાવ આજકાલ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. એને કારણે ટ્રાફિક કાયદાઓ વધારે કડક બનાવવાની માગણી થઈ છે. મહારાષ્ટ્ર મોટર વેહિકલ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તો સરકારને સૂચન કરવામાં આવ્યું છે કે બેફામ રીતે અને વધુપડતી સ્પીડમાં વાહન હંકારવા જેવા ટ્રાફિક ગુનાઓને બિન-જામીનપાત્ર ગુના ગણવા જોઈએ.

સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશનર વિવેક ભીમનવારનું કહેવું છે કે ગંભીર ઈજા કરતા કે મોત નિપજાવનાર ચોક્કસ ગુનાઓને મોટર વેહિકલ્સ એક્ટ અંતર્ગત બિન-જામીનપાત્ર ગુનો બનાવવો જોઈએ એવું અમે કેન્દ્ર સરકારને સૂચન મોકલ્યું છે. હાલ રોડ અકસ્માતના તમામ ગુનાઓ જામીનપાત્ર હોય છે. પરિણામે ગુના કરનારાઓ તાબડતોબ જામીન પર છૂટી જાય છે.