G7 વિદેશ મંત્રીઓની બેઠકમાં દ્વિપક્ષી સંબંધો, સહયોગને વેગ આપવા વિચારવિમર્શ

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડામાં G-7ના વિદેશ મંત્રીઓની બેઠકમાં અનેક દેશોના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે UK, જર્મની, ફ્રાંસ અને બ્રાઝિલના સમકક્ષોની સાથે દ્વિપક્ષી સંબંધો અને સહયોગને વેગ આપવા માટે વિચારવિમર્શ કર્યો હતો.

આ બેઠકમાં G7ના સભ્ય દેશો — કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયનના મંત્રીઓ ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, સાઉદી અરેબિયા, મેક્સિકો, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને યુક્રેન જેવા અનેક  દેશો પણ સામેલ છે.

વિદેશ મંત્રી એસ. જયશંકર અને જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફુલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી, ભારત-યુરોપિયન યુનિયન સંબંધોને આગળ ધપાવવાના મુદ્દા પર ચર્ચા થઈ અને પશ્ચિમ એશિયા, અફઘાનિસ્તાન અને હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અંગે વિચારવિમર્શ કર્યો હતો.

ફ્રેન્ચ વિદેશ મંત્રી જિન-નોએલ બેરોટ સાથે મુલાકાત બાદ જયશંકરે જણાવ્યું હતું કે બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી અને બહુપક્ષી સ્વરૂપોમાં સહકારને વધુ ગાઢ કરવા પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે ફ્રાન્સના વિદેશ મંત્રી @jnbarrot સાથે મળીને આનંદ થયો હતો. અમારી વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી અને બહુપક્ષી સ્તરે સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી.

જયશંકરે જણાવ્યું હતું કે બ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વીએરા સાથેની મુલાકાતમાં બંને દેશોએ વેપાર, રોકાણ, આરોગ્ય અને ટેકનોલોજીકલ સહકાર વધારવા માટેની તકો પર ચર્ચા કરી હતી તેમણે X પર લખ્યું હતું કે આજે બપોરે બ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વીએરા સાથે મળીને આનંદ થયો હતો. અમારા દ્વિપક્ષી સહકારમાં થયેલી તાજેતરની પ્રગતિને માન્યતા આપી હતી. અમે વેપાર, રોકાણ, આરોગ્ય અને ટેકનોલોજિકલ સહકાર વધારવા માટે સક્રિયપણે તકો શોધી રહ્યા છીએ.

વિદેશ મંત્રાલયના સત્તાવાર નિવેદન મુજબ વિદેશ મંત્રી એસ. જયશંકર કેનેડાની વિદેશ મંત્રી અનિતા આનંદના આમંત્રણ પર 11થી 13 નવેમ્બર સુધી આઉટરિચ પાર્ટનર્સ સાથે G7 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા કેનેડાના પ્રવાસે છે. G7 વિદેશ મંત્રીઓની આ બેઠકમાં ભારતની ભાગીદારી વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને આંતરરાષ્ટ્રીય મંચો પર “ગ્લોબલ સાઉથ”ના સ્વરને મજબૂત બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને કાર્ય કરવાની ભારતની અડગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.