વોશિંગ્ટનઃ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ફરી એક વખત વધ્યો છે. ઓમાનની રાજધાની મસ્કતમાં બંને દેશો વચ્ચે પરમાણુ સમજૂતી મુદ્દે યોજાયેલી બેઠક નિષ્કર્ષ વિના પૂર્ણ થઈ છે. આ કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ છે. જાહેર નિવેદનમાં તેમણે કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે છેલ્લા 47 વર્ષથી ઈરાન માત્ર વાતચીતને ટાળતો આવ્યો છે અને તેને કારણે ઘણા લોકોના જીવ ગયા છે.
ટ્રમ્પની ઈરાનને ચેતવણી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડિયા સાથે વાતચીત દરમિયાન સ્પષ્ટ કહ્યું છે કે હવે અમે આ મુદ્દાને હંમેશ માટે ઉકેલી દઈશું. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા વિશ્વનો સૌથી મોટું વિમાનવાહક એરક્રાફ્ટ પશ્ચિમ એશિયા તરફ મોકલી રહ્યો છે. આ એરક્રાફ્ટ અંગે ટ્રમ્પે કહ્યું કે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અમને ઈરાન તરફ મોટું વિમાનવાહક એરક્રાફ્ટ મોકલવું પડ્યું છે. હવે હું માત્ર એ જોવા માગું છું કે કોઈ સમજૂતી શક્ય બને છે કે નહીં. હાલ તો મને કોઈ સમજૂતી થવાની શક્યતા ઓછી લાગે છે. અગાઉ એક વખત સમજૂતી થઈ હતી.

અમેરિકન એરક્રાફ્ટ અને વધતો તણાવ
ટ્રમ્પે આગળ કહ્યું હતું કે જો આ વખતે સમજૂતી નહીં થાય તો આ વિમાનવાહક એરક્રાફ્ટોની જરૂર પડી શકે છે. તેમણે દાવો કર્યો કે છેલ્લા આઠ મહિનામાં તેમણે વિશ્વમાં ચાલી રહેલાં 10 યુદ્ધો અટકાવ્યાં છે. તેમણે કહ્યું હતું કે અમે હાલમાં વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મેં 10 મહિનામાં આઠ યુદ્ધો અટકાવ્યાં છે. હજી થોડાં બાકી છે, પરંતુ મારી સૌથી મોટી પ્રાથમિકતા રશિયા અને યુક્રેનનો મુદ્દો છે. ત્યાં ભારે વિનાશ થયો છે અને સ્થિતિ ખૂબ ખરાબ છે. છતાં મને લાગે છે કે ત્યાં પણ અમે ઉકેલની નજીક પહોંચી ગયા છીએ.




