હવે ઈરાનને તેની કિંમત ચૂકવવી પડશેઃ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ઈરાન સામે હુમલાની ચેતવણી આપી છે. ટ્રુથ સોશિયલ પર કરેલી એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે ઈરાનની સૈન્ય શક્તિ લગભગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. તેમની નેવી અને એર ફોર્સ જેવા મોટા ભાગના સૈન્ય વિભાગો હવે અસ્તિત્વમાં જ નથી. તેમણે વધુમાં લખ્યું હતું કે તેઓ સંપૂર્ણપણે નિરાશ થઈ ચૂક્યા છે. ઈરાન માત્ર વાતો કરે છે, કોઈ કાર્યવાહી કરતું નથી. મધ્ય પૂર્વમાં અસ્થિરતા ફેલાવનાર ઈરાન હવે પહેલાંની સ્થિતિમાં નથી. તેમણે એવી એક ડીલ અંગે વાતચીત કરવામાં ખૂબ જ વધુ સમય બગાડ્યો, જે તેમના માટે જ ફાયદાકારક હતી. હવે તેમને તેની કિંમત ચૂકવવી પડશે.

ટ્રમ્પે અગાઉના દિવસે પણ ઈરાનને ધમકી આપી હતી

ટ્રમ્પે નવ જૂને ઈરાનને ધમકી આપી હતી. તેમણે લખ્યું હતું હતું કે મને અમારી મહાન સેનાએ જાણ કરી છે કે ગઈ રાત્રે ઈરાનીઓએ હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) પાસે પેટ્રોલિંગ દરમિયાન અમારા એક અત્યાધુનિક અપાચે હેલિકોપ્ટરને નિશાન બનાવ્યું હતું. તેમાં બે પાયલોટ હતા, બંને સુરક્ષિત છે અને તેમને કોઈ ઇજા પહોંચી નથી. તેમ છતાં, યુનાઇટેડ સ્ટેટ્સને આ હુમલાનો જવાબ આપવો જ પડશે.

ટ્રમ્પે અનેક વખત ડીલ થવાનો દાવો કર્યો

ઈરાન સાથેના તણાવ દરમિયાન ટ્રમ્પનાં નિવેદનોમાં એક ખાસ પેટર્ન જોવા મળી છે. તેઓ વારંવાર દાવો કરતા રહ્યા છે કે ઈરાન સાથેનો કરાર અંતિમ તબક્કામાં છે અથવા લગભગ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ હકીકત ઘણી વખત અલગ રહી છે. ઘણા પ્રસંગોએ જ્યારે પરિસ્થિતિ તેમના નિયંત્રણ બહાર જતી દેખાય છે, ત્યારે તેઓ તહેરાનને સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપે છે. ત્યાર બાદ થોડા સમય પછી ફરી શાંતિ અને સમજૂતીની વાતો કરવા લાગે છે.અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઓછામાં ઓછા 38 વખત એવો દાવો કરી ચૂક્યા છે કે ઈરાન સાથેની ડીલ ખૂબ નજીક છે અથવા ઈરાન સમજૂતી માટે આતુર છે. તેમ છતાં તેમના આ દાવાઓ છતાં ઈરાન સાથે કોઈ સ્પષ્ટ અને નક્કર કરાર હજુ સુધી સામે આવ્યો નથી.