મુંબઈઃ કથિત પોર્નોગ્રાફી સંબંધિત કેસમાં પતિ રાજ કુન્દ્રાની ધરપકડ થયાના ચાર દિવસ બાદ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સોશિયલ મિડિયા પર તેનું મૌન આખરે તોડ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર એણે ગઈ કાલે રાતે એક પુસ્તકમાંથી સ્ક્રીનશોટ શેર કર્યો હતો. પોતાની લાગણીને એણે પુસ્તકના લખાણનો સ્ક્રીનશોટ પોસ્ટ કરીને વ્યક્ત કરી છે. આ સ્ક્રીનશોટ ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. શિલ્પાએ પોતાનાં પ્રત્યાઘાતમાં અમેરિકાના જાણીતા લેખક જેમ્સ થર્બરનાં એક પુસ્તકના બે પાનાંનું લખાણ ટાંક્યું છે. એમાં લખ્યું છેઃ ‘ગુસ્સામાં પાછળ વળીને ન જુઓ તથા ડર વખતે આગળ ન જુઓ. પરંતુ સતર્કતાથી ચારેબાજુ જુઓ. આપણે ગુસ્સામાં પાછળ જોતાં હોઈએ છીએ અને એવા લોકોને યાદ કરીએ છીએ જેમણે આપણને નુકસાન કર્યું હોય… આપણે કોઈ બીમારીનો ભોગ બની શકીએ છીએ… હું એક ઊંડો શ્વાસ લઉં છું. એ જાણીને કે હું જીવતો રહેવા માટે ભાગ્યશાળી છું. હું ભૂતકાળમાં મારા પડકારોનો સામનો કરી ચૂક્યો છું અને ભવિષ્યમાં પણ પડકારો સામે બચીશ.’
દરમિયાન એક અહેવાલ (ઈટાઈમ્સ) અનુસાર, શિલ્પાને એક રાહત મળી છે. મુંબઈ પોલીસ પૂછપરછ માટે તેની સમક્ષ હાજર થવાનું શિલ્પાને સમન્સ મોકલવાની નથી. પોલીસે કહ્યું છે કે, ‘શિલ્પા શેટ્ટી વિયાન ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટરોમાંની એક છે, જ્યારે પોલીસ માત્ર કેનરિન કંપનીની જ તપાસ કરી રહી છે.’ કેનરિન બ્રિટનસ્થિત કંપની છે અને HotShots એપની માલિક છે. આ એપ પર કથિતપણે અશ્લીલ સામગ્રીઓ મૂકવામાં આવી હતી. રાજ કુન્દ્રા હાલ પોલીસ કસ્ટડીમાં છે. એમની પોલીસ રીમાન્ડની મુદત આજે પૂરી થાય છે.