લખનઉઃ કોરના વાઈરસનો શિકાર બન્યા બાદ સારવારથી સાજી થઈને અહીંની સંજય ગાંધી પોસ્ટગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીમાંથી ડિસ્ચાર્જ થયેલી બોલીવૂડ ગાયિકા કનિકા કપૂરે કહ્યું છે કે એણે લખનઉમાં કોઈ પાર્ટી આપી નહોતી અને પોતાની વિશે ઘણી ખોટી માહિતી ફેલાવવામાં આવી છે.
કનિકાએ તેની કોરોના વાઈરસ બીમારીના નિદાન વિશે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાણકારી મૂકી છે. એણે લખ્યું છે કે એનાં એક મિત્રએ યોજેલા લંચ અને ડિનરમાં એણે જ્યારે હાજરી આપી હતી ત્યારે પોતાની તબિયત સારી હતી.
કનિકાએ લખ્યું છેઃ ‘હું બ્રિટનથી 10 માર્ચે મુંબઈ પાછી ફરી હતી. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મારું સ્ક્રીનિંગ કરાયું હતું. એ વખતે મારે સ્વયંને ક્વોરન્ટાઈન કરવું જોઈએ એવી સરકાર તરફથી કોઈ મેડિકલ એડવાઈઝરી જારી કરવામાં આવી નહોતી. (બ્રિટનમાં ટ્રાવેલ વિશેની એડવાઈઝરી 18 માર્ચે રિલીઝ કરાઈ હતી). મારી તબિયત જરાય બગડેલી નહોતી એટલે હું ક્વોરન્ટાઈન થઈ નહોતી.’
‘ત્યાંથી હું બીજા દિવસે એટલે કે 11 માર્ચે મારા પરિવારને મળવા લખનઉ ગઈ હતી. સ્થાનિક ફ્લાઈટ્સ માટે કોઈ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું નહોતું. 10 માર્ચ અને 15 માર્ચે હું એક મિત્રના લંચ અને ડિનરમાં ગઈ હતી. મેં પાર્ટી યોજી નહોતી અને એ વખતે મારી તબિયત એકદમ સારી હતી.’
કનિકાએ લખ્યું છે કે, ‘મને કોરોનાનાં લક્ષણ 17 માર્ચે જણાવાનું શરૂ થયું હતું અને એટલે 19 માર્ચે મેં ટેસ્ટ કરાવ્યું હતું. 17 અને 18 માર્ચે મને કોરોનાનાં લક્ષણ હોવાનું માલૂમ પડ્યું હતું એટલે મેં મારું તબીબી પરીક્ષણ કરવાની વિનંતી કરી હતી. 19 માર્ચે મારો ટેસ્ટ લેવાયો હતો અને 20 માર્ચે મને જાણ કરવામાં આવી હતી કે હું કોરોના પોઝિટીવ છું. મેં હોસ્પિટલમાં જવાનું પસંદ કર્યું હતું. 3 ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ મને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી અને ત્યારથી હું 21 દિવસથી મારા ઘેર જ છું.’
કનિકાએ એમ પણ લખ્યું છે કે, હું બ્રિટનમાં, મુંબઈમાં અને લખનઉમાં જે કોઈ વ્યક્તિના સંપર્કમાં આવી હતી એમાંના કોઈને પણ કોરોના ચેપ લાગુ પડ્યો નથી. વાસ્તવમાં, એ બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.