મુંબઈ પોલીસની મદદે અક્ષય કુમાર; આપ્યા રૂ. બે કરોડ

મુંબઈઃ કોરોના વાઈરસ સામેના યુદ્ધમાં મુંબઈના ફિલ્મઉદ્યોગનાં સેલિબ્રિટી વ્યક્તિઓ વિવિધ તંત્રોની મદદ માટે ખડેપગે રહે છે. કેટલાક કલાકારોએ વડા પ્રધાન સહાયતા ભંડોળમાં રકમ દાનમાં આપી છે, તો કેટલાકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં મદદ કરી છે તો કેટલાક અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે.

અભિનેતા અક્ષય કુમારે જાગતિક રોગચાળા સામેના જંગમાં દિવસ-રાત મહેનત કરી રહેલા મુંબઈના પોલીસજવાનોની મદદ માટે આગળ આવ્યો છે. એણે મુંબઈ પોલીસને રૂ. બે કરોડની મદદ કરી છે.

મુંબઈના પોલીસ કમિશનરના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. એમણે અક્ષય કુમારનો આભાર વ્યક્ત કર્યો છે.

અક્ષયે મુંબઈ પોલીસ ફાઉન્ડેશન સંસ્થાને રૂ. બે કરોડ દાનમાં આપ્યા છે. આ રકમ મુંબઈ શહેર અને શહેરીજનોને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ રહેતા પુરુષ અને મહિલા પોલીસકર્મીઓની તબીબી દેખભાળ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

અક્ષય આ પહેલાં પીએમ કેર્સ ફંડમાં રૂ. 25 કરોડ, મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં રૂ. પાંચ કરોડ તેમજ થિયેટર માલિકો તથા ફિલ્મસિટીના કર્મચારીઓની મદદ માટે પણ રકમનું દાન કરી ચૂક્યો છે.