મુંબઈઃ હિન્દી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ને રિલીઝ થવાને હજી થોડીક વાર છે, પરંતુ આ ફિલ્મ અત્યારથી જ વિવાદમાં સપડાઈ ગઈ છે. ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ કરાયા બાદ ઘણા લોકોએ એમ કહીને આ ફિલ્મની ટીકા કરી છે કે તે ખોટી માહિતી ફેલાવે છે અને પ્રચારમાં ઉમેરો કરે છે. જોકે ફિલ્મના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે પોતાના આ પ્રોજેક્ટનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે આક્ષેપોનો તેઓ યોગ્ય સમયે જવાબ આપશે.
‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મમાં અદા શર્માએ અભિનય કર્યો છે. ફિલ્મના એનાઉન્સમેન્ટ ટીઝરમાં એવો દાવો કરાયો છે કે કેરળ રાજ્યમાં ઘણી યુવતીઓને છેતરીને-ફોસલાવીને એમને આતંકવાદી સંગઠનોમાં જોડી દેવામાં આવી હતી. અદા શર્મા અભિનીત ટીઝરના વીડિયોમાં દર્શાવેલા – 32,000 યુવતીઓ – ના આંકડાના મુદ્દે વિવાદ થયો છે. ઘણાનું કહેવું છે કે આ માટે કોઈ વિશ્વસનીય સ્રોત કે આધાર લેવામાં આવ્યો નથી. પરંતુ, વિપુલ શાહે કહ્યું છે કે, ‘અમે એક મોટી દુર્ઘટના વિષય પર ફિલ્મ બનાવી રહ્યા છીએ. અમે પુરાવા વગર કંઈ કહેતા નથી. જ્યારે અમે હકીકતો અને આંકડા રજૂ કરીશું ત્યારે લોકોને જવાબ મળી જશે. દિગ્દર્શક સુદિપ્તો સેને આ ફિલ્મ બનાવવાનું શરૂ કરતા પહેલાં ચાર વર્ષ સુધી વ્યાપક રીતે સંશોધન કર્યું હતું.’
‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મમાં ફાતિમા બા નામની એક યુવતીની વાર્તા છે, જે કેરળની એક નર્સ હતી અને એનું મૂળ નામ શાલિની ઉન્નીકૃષ્ણન હતું, પરંતુ એનું બળજબરીથી ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું અને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS)માં જોડાવા માટે એનું બ્રેનવોશ કરવામાં આવ્યું હતું. દિગ્દર્શક સુદિપ્તો સેને 2018માં આ જ વિષય પરથી એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. હવે વિપુલ શાહ દ્વારા નિર્મિત આ ફીચર ફિલ્મ 2023માં થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.
Heart breaking and gut wrenching stories of 32000 females in Kerala!#ComingSoon#VipulAmrutlalShah @sudiptoSENtlm @adah_sharma @Aashin_A_Shah#SunshinePictures #TheKeralaStory #UpcomingMovie #TrueStory #AdahSharma pic.twitter.com/M6oROuGGSu
— Adah Sharma (@adah_sharma) November 3, 2022