મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા નિર્માત્રી પણ છે. એની ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ પ્રોડક્શન કંપનીએ પહેલું વેબ પ્રોડક્શન તૈયાર કર્યું છે. આ વેબસિરીઝનું નામ છે ‘પાતાલ લોક’. તેનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. વેબસિરીઝ 15 મેએ લોન્ચ કરાશે. આ વેબસિરીઝ સુદિપ શર્મા લિખિત એક ક્રાઈમ થ્રિલર પુસ્તક પર આધારિત છે.
આ વેબસિરીઝ સાથે અનુષ્કાએ ડિજિટલ જગતમાં પદાર્પણ કર્યું છે.
થોડાક દિવસ અગાઉ જ એણે જાહેરાત કરી હતી કે પોતે એમેઝોન પ્રાઈમ વિડિયો પ્લેટફાર્મ પર વેબસિરીઝ લોન્ચ કરવાની છે અને આજે એણે તેના એ શોનું પહેલું ટીઝર રિલીઝ કર્યું છે.
‘પાતાલ લોક’ સિરીઝમાં સમાજમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર તથા અન્ય દુષ્ટ તત્ત્વોની વાત છે.
‘પાતાલ લોક’ ટીઝરનો વિડિયો શેર કરવા સાથે અનુષ્કાએ લખ્યું છે કે, ‘રૂંવાડા ખડાં કરી દેનારું એક ક્રાઈમ થ્રિલર, જે તમે જ્યાં રહો છો એ જગત પ્રતિ તમારો દ્રષ્ટિકોણ બદલી નાખશે.’
વિડિયોમાં અમુક દ્રશ્યો રોમાંચક છે. બધી બાજુએ લાલ રંગ જોવા મળે છે. વોઈસ-ઓવર કહે છે કે ‘આપણા શાસ્ત્રોમાં જણાવાયું છે કે આપણે જેમાં રહીએ છીએ તે જગત દુષ્ટ અને જુઠાણાથી ભરેલું છે. આ દુનિયામાં માત્ર લોહી વહેવડાવીને જ ન્યાય મળે છે. માનવતાના સ્વાંગમાં રાક્ષસ છુપાયેલો હોય છે. હેવાનિયત રાહતનો શ્વાસ લે છે, જેની સામે જિંદગી પણ ઘૂંટણ ટેકી દે છે. ધરતીની નીચે રહેલા નર્ક જેવી આ દુનિયાને પાતાલ લોક કહેવાય છે.’
વિડિયોમાં માનવતાની ખરાબ બાજુ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
અનુષ્કાએ વિડિયોની કેપ્શનમાં લખ્યું છેઃ ‘પાતાલ લોકના નિયમો અલગ હોય છે.’
આ વેબસિરીઝમાં લોકતંત્રના ચાર આધારસ્તંભ દ્વારા રમાતી રમતની વાર્તા છે.
આ ડ્રામા-થ્રિલર વેબસિરીઝ 15 મેથી એમેઝોન પ્રાઈમ વિડિયો પર જોવા મળશે.