મુંબઈઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુની ઘટનામાં તપાસની માગણી સાથે એના પિતાએ દીકરાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તિ સામે ગઈ કાલે પટનામાં પોલીસ એફઆઈઆર નોંધાવ્યા બાદ રિયાએ સુપ્રીમ કોર્ટમાં પીટિશન નોંધાવી છે અને કોર્ટને વિનંતી કરી છે કે આ કેસની તપાસ મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવે. સુશાંતના પિતા કે.કે. સિંહે પટના શહેરમાં રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રિયાનાં વકીલ સતિષ માનશિંદેએ સમાચાર સંસ્થા પીટીઆઈને કહ્યું કે કેસની તપાસ મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવે એ માટે એમણે રિયાની વતી સુપ્રીમ કોર્ટમાં પીટિશન નોંધાવી છે.
‘મેરે ડેડ કી મારુતિ’ ફિલ્મની અભિનેત્રી રિયાએ એવી માગણી કરી છે કે જ્યાં સુધી પોતાની પીટિશન પર સુપ્રીમ કોર્ટ નિર્ણય ન લે ત્યાં સુધી સુશાંતના પિતાએ નોંધાવેલી એફઆઈઆર પર બિહારની પોલીસને તપાસ કરતા અટકાવવી જોઈએ.
‘કેદારનાથ’, ‘રાબતા’, ‘છીછોરે’, ‘દિલ બેચારા’ ફિલ્મોનાં અભિનેતા સુશાંતના પિતાએ નોંધાવેલી ફરિયાદ ઉપર રિયા સામે ઈન્ડિયન પીનલ કોડની અનેક કલમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. એક કલમ આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાને લગતી છે. સુશાંતના પિતાએ રિયા પર એવો પણ આરોપ મૂક્યો છે કે એ સુશાંતનો ઉપયોગ પોતાનાં નાણાકીય ફાયદા માટે કરતી હતી અને પ્રેમના બહાને એની પાસેથી પૈસા પડાવતી હતી. 2020ની 8 જૂને રિયા જ્યારે સુશાંતના ઘેરથી ચાલી ગઈ તે પહેલા એણે સુશાંતના રોકડ નાણાં, એના લેપટોપ્સ, ક્રેડિટ કાર્ડ, એનો પિન નંબર, મહત્ત્વના દસ્તાવેજો તથા સુશાંતના મેડિકલ રિપોર્ટ્સ પોતાના કબજામાં લઈ લીધા હતા.
બિહાર પોલીસે ચાર-ઈન્સ્પેક્ટરોની તપાસ ટીમની રચના કરી છે. જે ‘બેન્ક ચોર’, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘જલેબી’ ફિલ્મોની અભિનેત્રી રિયાની પૂછપરછ કરશે.
રિયાએ અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ટ્વીટ દ્વારા વિનંતી કરી હતી કે સુશાંતના મૃત્યુના કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે. એણે એ વખતે પોતાને સુશાંતની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખાવી હતી. એણે અમિત શાહને વિનંતી કરી છે કે સુશાંતે કયા દબાણને કારણે આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભર્યું હતું એ જાણવા માટે સીબીઆઈ દ્વારા તપાસ કરાવવી જરૂરી છે.