સુશાંત મૃત્યુ કેસની તપાસ મામલે હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

નવી દિલ્હીઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય અને વિવાદાસ્પદ બની ગયેલા મૃત્યુના કેસની તપાસ કેન્દ્રીય એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા કરાવવાનો આદેશ આપવાની માગણી કરતી એક જનહિતની અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે.

આ કેસની તપાસ મુંબઈ પોલીસને બદલે સીબીઆઈ દ્વારા કરાવવાની દાદ ચાહતી પીટિશન પર સુનાવણી કરવાનો ઈનકાર કરતાં દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડેએ કહ્યું કે પોલીસ તંત્રને એનું કામ કરવા દો.

ચીફ જસ્ટિસ બોબડેએ અરજદાર અલખ પ્રિયાને કહ્યું કે આ બાબતમાં સુપ્રીમ કોર્ટને કોઈ લેવાદેવા નથી, તમારે આ બાબતમાં મુંબઈ હાઈ કોર્ટમાં જવું જોઈએ.

34 વર્ષીય સુશાંત સિંહ ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)સ્થિત તેના નિવાસસ્થાનમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ કહ્યું હતું કે સુશાંતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. કહેવાય છે કે પોતાને ફિલ્મો ન મળવાથી એ ડિપ્રેશનમાં આવી ગયો હતો. જો કે એના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

બાન્દ્રા પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે અને કેટલીક બોલીવૂડ હસ્તીઓ સહિત અસંખ્ય લોકોની પૂછપરછ કરી છે.

સુશાંતની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તિએ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને વિનંતી કરી છે. આવી જ માગણી બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ પણ કરી છે.

સુશાંત મૃત્યુ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણીને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પણ ફગાવી દીધી છે અને કહ્યું કે પોલીસ આ કેસમાં બરાબર તપાસ કરી રહી છે.