પ્રીતિ આનંદ માણે છે ઓર્ગેનિક ખેતીનો; ઘરમાં કેપ્સીકમ ઉગાડ્યાં

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાએ એનાં માતાનો આભાર માનતી એક નોંધ સોશિયલ મિડિયા પર શેર કરી છે. પ્રીતિનું કહેવું છે કે એની માતાએ પોતાને ઘરમાં જ શાકભાજી ઉગાડતાં શીખડાવ્યું છે. ઘરમાં જ ઓર્ગેનિક ખેતી કરવાનો અને તાજાં કેપ્સીકમ મરચાં ઉગાડવાનો પ્રીતિ ખૂબ આનંદ માણી રહી છે.

પ્રીતિએ તેનાં વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર બે વિડિયો શેર કર્યાં છે જેમાં તે ઘરમાં ઉગાડેલાં તાજાં કેપ્સીકમ મરચાંને તોડીને બતાવતી જોઈ શકાય છે.

પ્રીતિએ એનાં મેસેજની કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઘર કી ખેતી. ઘરમાં જ પોતાનાં શાકભાજી ઉગાડવાનું કેટલું આશ્ચર્યકારક છે. થેંક્યૂ મા – મને ઘરમાં જ પોતાનાં શાકભાજી ઉગાડવાનું શીખડાવવા બદલ અને મને પ્રેરણા આપવા બદલ. હું તો આજે ખુશીથી ઝૂમી રહી છું. કુદરતની આટલી નજીક હું પોતાને અગાઉ ક્યારેય અનુભવી શકી નહોતી.’ આ સાથે પ્રીતિએ હેશટેગમાં ‘જયમાતાદી’, ‘ઓર્ગેનિક ગાર્ડનિંગ’, ‘શીમલામિરચી’ લખ્યું છે.

રોગચાળા કોરોના વાઈરસના ફેલાવાને કારણે લોકડાઉન થયા બાદ બીજાં અન્ય ફિલ્મી સિતારાઓની પ્રીતિ ઝીન્ટા પણ ઘરમાં પૂરાઈ ગઈ હતી. હવે લોકડાઉનને ધીમે ધીમે હળવું કરાઈ રહ્યું છે ત્યારે એણે પણ શૂટિંગ કામકાજ ફરી શરૂ કર્યું છે. એ લગભગ છ મહિનાથી ઘરમાં જ હતી. રોગચાળાના જોખમ વચ્ચે શૂટિંગ ફરી શરૂ કરાયું છે ત્યારે એણે મિશ્ર પ્રત્યાઘાત વ્યક્ત કર્યાં છે. ‘આખો દિવસ માસ્ક પહેર્યાં વગર રહેવાનું ગભરાટભર્યું લાગે છે. મને તો ડર, રોમાંચ અને નર્વસનેસ – જેવી મિક્સ લાગણીનો અનુભવ થાય છે,’ એવું તેણે પોતાનાં વેરીફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લખ્યું છે.