અમિતાભને હોસ્પિટલમાંથી રજા મળી; અભિષેકનો રિપોર્ટ હજી પોઝિટીવ

મુંબઈઃ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના વાઈરસ રિપોર્ટ નેગેટિવ આવતાં એમને અહીં વિલે પારલે (વેસ્ટ) ઉપનગરની નાણાવટી હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. આમ, 22 દિવસ પછી એમનો હોસ્પિટલમાંથી છૂટકારો થયો છે અને તેઓ એમના ઘેર પાછા ફર્યા છે.

આ જાણકારી એમના અભિનેતા પુત્ર અભિષેક બચ્ચને ટ્વિટરના માધ્યમથી આપી છે.

જોકે અભિષેકને હજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. એનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાથી એને ઉપચાર માટે હજી હોસ્પિટલમાં રોકાવાનું ડોક્ટરોએ કહ્યું છે.

અમિતાભે ટ્વીટ કરીને જણાવ્યું છે કે ડોક્ટરોની સલાહ અનુસાર પોતે ઘરમાં અમુક દિવસો સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહેશે.

ઉલ્લેખનીય છે કે ગઈ 11 જુલાઈએ અમિતાભ અને અભિષેક, બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં એમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં, અભિષેકની પત્ની ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવતાં એમને એમના ઘરમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. પરંતુ એક અઠવાડિયા બાદ એ બંને મા-દીકરીને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અઠવાડિયા બાદ બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

બચ્ચન પરિવારમાં એકમાત્ર જયા બચ્ચનનો જ કોરોના રિપોર્ટ શરૂઆતથી નેગેટિવ આવ્યો હતો.

બચ્ચન પરિવારના મુંબઈમાં ત્રણ બંગલા છે – જલસા, પ્રતિક્ષા અને જનક. આ ત્રણેય બંગલાને મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સીલ કર્યા હતા અને સેનિટાઈઝ કર્યા હતા.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘેર પહોંચી ગયા બાદ અમિતાભે આ ટ્વીટ કર્યું હતુંઃ