સુશાંત કેસમાં વળાંકઃ પિતાએ રિયા ચક્રવર્તી સામે FIR નોંધાવી

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં એક નવો મોડ આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુશાંતના પિતા કે. કે. સિંહે રિયા ચક્રવર્તીની સામે પટના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવ્યો છે. રિયા ચક્રવર્તી સુશાંતની ગર્લફ્રેન્ડ હતી અને મુંબઈ સ્થિત એના ફ્લેટમાં તેની સાથે રહેતી હતી. પોલીસે આ સંબંધે IPCની કલમ 341,342, 380,406, 420 અને 306 હેઠળ કેસ નોંધ્યો છે.  

આત્મહત્યા માટે ઉશ્કેર્યો

સુશાંતના પિતા પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તીની સામે FIR નોંધાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રિયાએ સુશાંતને જાળમાં ફસાવીને તેના પૈસા ઝૂંટવી લીધા અને તેને સુસાઇડ કરવા માટે ઉશ્કેર્યો હતો.

IGએ માહિતી આપી

સૂત્રોના જણાવ્યા મુજબ સુશાંતના પરિવારને મુંબઈ પોલીસ પર વિશ્વાસ નથી થઈ રહ્યો. તેમણે આ અસંતોષને કારણે પટનામાં કેસ નોંધાવ્યો છે. ત્યાં પટના સેન્ટ્રલ ઝોનના IG સંજય સિંહને મામલે માહિતી આપતાં કહ્યું હતું કે ચાર સભ્યોની એક ટીમને મુંબઈ રવાના કરવામાં આવી છે. આ ટીમ મુંબઈ પોલીસ પાસેથી કેસ ની ફાઇલની સાથે-સાથે બધા જરૂરી કાગળિયાં એકત્ર કરશે અને પછી કાર્યવાહી શરૂ કરશે.

FIRમાં શું છે?

સુશાંતના પિતા કેકે સિંહે કહ્યું છે કે રિયાની મિત્રતા પછી ફિલ્મો કેમ ઓછી થઈ ગઈ છે. તેમણે રિયા ચક્રવર્તી અને એના પરિવારના સભ્યો પર ગંભીર આરોપ લગાવ્યા છે. રિયાએ સુશાંતને છેહ દીધો છે. તેના પૈસા છીનવી લીધા છે. રિયાએ સુશાંતને પરિવારથી અલગ કરી દીધો હતો.  આ ઉપરાંત સુશાંતના ખાતામાંથી 17 કરોડની લેવડદેવડ થઈ છે.

તેમણે જણાવ્યું હતું કે રિયાએ સુશાંતના ઘરેથી રોકડ, ઝવેરાત, લેપટોપ, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ અને એના પિન નંબર-જેમાં મહત્ત્વના દસ્તાવેજ, સારવારના બધાં કાગળિયાં લઈને ચાલી ગઈ છે.

સુશાંત સિંહ રાજપૂતનો વિસરા રિપોર્ટ, આ ખુલાસો થયો…

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઈના બાંદરા સ્થિત ઘરમાં આપઘાત કરી લીધો હતો. પોલીસને તેની પાસે કોઈ સુસાઇડ નોટ નથી મળી. સુશાંત સિંહના અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માલૂમ પડ્યું છે કે તેના શરીર પર કોઈ પણ પ્રકારની ઇજાનાં નિશાન નથી મળ્યાં. એમાં જણાવવામાં આવ્યું છે કે તેનું મોત ગળેફાંસો ખાવાને કારણે શ્વાસ રૂંધાતાં થયું હતું. ત્યાર બાદ તેનો કામચલાઉ વિસરા રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના શરીરમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ અથવા ઝેર નથી મળ્યું.

સુશાંત સિંહ રાજપૂતનો અંતિમ વિસરા રિપોર્ટ આવ્યો
હવે સુશાંત સિંહ રાજપૂતનો અંતિમ વિસરા રિપોર્ટ આવ્યો છે. આ અંતિમ વિસરા રિપોર્ટને આધારે પોલીસે કોઈ પણ પ્રકારની ગરબડ થઈ હોવાનો ઇનકાર કર્યો હતો. વિસરા રિપોર્ટ પછી પોલીસે જણાવ્યું હતું કે સુશાંતના શરીરમાં કોઈ પણ પ્રકારના ઝેરી અથવા રાસાયણિક પદાર્થ નથી મળ્યો. હવે પોલીસ સુશાંતના પેટ અને નખના ફોરેન્સિક રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે.

મહેશ ભટ્ટની પૂછપરછ

સુશાંત સિંહ રાજપૂત મામલાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા ડિરેક્ટર મહેશ ભટ્ટથી પૂછપરછ કરી હતી. આશરે બે કલાક સુધી પોલીસ પૂછપરછમાં મહેશ ભટ્ટથી મુંબઈ પોલીસે સુશાંતથી થયેલી મુલાકાત, રિયાની સાથે તેમની ઓળખાણ, રિયાની સાથે કરેલી ફિલ્મો, સુશાંતની સાથે થયેલી કામને લઈને ચર્ચા સિવાય બોલિવુડમાં નેપોટિઝમ, સુશાંતના ડિપ્રેશન અને સુશાંત-રિયાની સાથે સંબંધોમાં તિરાડ કરવા બદલ તેમના પર લાગેલા આરોપો વિશે પૂછપરછ કરી હતી.

પોલીસ દરેક પાસાથી તપાસ કરી રહી છે

મુંબઈ પોલીસે સુશાંત સિંહના મોતનાં કારણોની વિવિધ પાસાંઓથી તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે સુશાંતના પરિવાર અને મિત્રો સહિત 30થી વધુ લોકોનાં નિવેદનો નોંધી ચૂકી છે. આ મામલે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે પોલીસ સુશાંત સિંહની આત્મહત્યાના પાછળનું કારણ સમજવાના પ્રયાસો કરી રહી છે અને એ જાણવા પ્રયત્નો કરી રહી છે કે શું પ્રોફેશનલ સ્પર્ધા અથવા કોઈ શખસ સુશાંતની હતાશા માટે જવાબદાર હતો.