મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ ગેરકાયદેસર બાંધકામ (હોટેલ)ના કેસમાં આજે મુંબઈ હાઈકોર્ટને કહ્યું કે બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદ તો રીઢો ગુનેગાર છે. એણે વિલે પારલે (વેસ્ટ) ઉપનગરમાં બાંધેલી હોટેલ ગેરકાયદેસર છે. એને મહાનગરપાલિકાએ મંજૂરી આપી નથી.
મુંબઈ મહાપાલિકાએ આ સ્પષ્ટતા અને દાવો આજે હાઈકોર્ટમાં પોતાના સોગંદનામામાં કર્યો છે. તેણે કહ્યું કે, સોનૂ સૂદની હોટેલ મહારાષ્ટ્ર રીજનલ ટાઉન પ્લાનિંગ એક્ટ અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવી છે. કોઈ પણ પ્રકારના લાઈસન્સ વગર તે ચલાવવામાં આવી રહી છે. સોનૂ રીઢો ગુનેગાર છે અને તે ગેરકાયદેસર બાંધકામોમાંથી કમર્શિયલ આવક મેળવીને મજા કરનારો છે. બીએમસી દ્વારા તોડી પડાયેલા ભાગને ફરી બંધાવીને એ હોટેલ તરીકે ચલાવી રહ્યો છે. તે ગેરકાયદેસર છે અને લાઈસન્સ ઈસ્યૂ કરનાર વિભાગમાંથી એ માટે કોઈ લાઈસન્સ આપવામાં આવ્યું નથી.