મણિકર્ણિકા રિટર્ન્સઃ કંગના બનશે કશ્મીરી વીરાંગના દિદ્દા

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણોત રૂપેરી પડદા પર ફરી વાર એક વીરાંગનાનાં રોલમાં, એક નવી, ધમાકેદાર ભૂમિકા ભજવતી જોવા મળવાની છે. ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’માં રાણી લક્ષ્મીબાઈનો રોલ કરનાર કંગના હવે કશ્મીરની ધરતીનાં પ્રથમ મહિલા શાસક દિદ્દાની વીરગાથાને દર્શકો સમક્ષ રજૂ કરવાની છે. નવી ફિલ્મનું નામ છેઃ ‘મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લીજેન્ડ ઓફ દિદ્દા’.

ક્વીન અને પંગા ફિલ્મોમાં કરેલા અભિનય બદલ દર્શકોની વાહ-વાહ મેળવનાર કંગના હવે કશ્મીરનાં રાણીનાં શૌર્યની વાતોથી ફિલ્મ મારફત દર્શકોને વાકેફ કરાવશે. રાણી દિદ્દાએ જુલમી હુમલાખોર મહમૂદ ગઝનીને એક વાર નહીં, પણ બે વાર હરાવ્યો હતો. કંગનાએ તેની નવી ફિલ્મ વિશેની જાણકારી એક ટ્વીટ દ્વારા આપી છે. એમાં તેણે નિર્માતા કમલ જૈન સાથે પોતાની તસવીર શેર કરી છે. કંગનાની નવી ફિલ્મો આવી રહી છે ‘તેજસ, ‘ધાકડ’. ‘તેજસ’માં એર ફોર્સની પાઈલટ બની છે, ‘ધાકડ’માં બાળકોને ઉઠાવી જનાર ગુનેગારો અને મહિલા શોષણખોરો વિરુદ્ધ લડતી જોવા મળશે, તો હિન્દી સહિત ત્રણ ભાષામાં બનનારી ‘થલાઈવી’માં તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. જયલલિતાનો રોલ કરી રહી છે.