મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સંજય દત્તને ફેફસાંનું કેન્સરનું નિદાન થયું છે ત્યારથી હિન્દી ફિલ્મજગતમાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલો અનુસાર, સંજય તેની સારવાર માટે અમેરિકા જવા વિચારે છે. તે છતાં 18 ઓગસ્ટે એ પ્રારંભિક સારવાર માટે અંધેરી (વેસ્ટ)ની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ થયો છે.
સંજયની પત્ની માન્યતા દત્તે સંજય વિશેની માહિતી અપડેટ કરતું એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે સંજયની શરૂઆતની સારવાર મુંબઈમાં ચાલુ રહેશે અને કોરોના વાઈરસ રોગચાળાની પરિસ્થિતિ સુધરે એ પછી વધુ સારવાર માટે વિદેશમાં જવાનું દત્ત પરિવાર વિચારશે.
માન્યતાએ એમનાં નિવેદનમાં સંજુનાં તમામ ચાહકો અને શુભેચ્છકોનો આભાર માન્યો છે. એમણે લખ્યું છે કે, ‘સંજુ એના જીવનમાં અનેક ચડતી-પડતી જોઈ ચૂક્યો છે, પરંતુ એ દરેક તબક્કાએ એને વધારે દ્રઢ બનાવ્યો છે. એનો શ્રેય પ્રશંસકોના સાથ અને પ્રેમને જાય છે. એ માટે અમે આપ સૌનાં કાયમ આભારી રહીશું. હવે અમારી સમક્ષ એક નવો પડકાર આવ્યો છે. મને વિશ્વાસ છે કે અમે આ સમયમાંથી પણ પાર ઉતરી શકીશું. કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં સંજુ શ્રેષ્ઠ ડોક્ટરોની દેખભાળમાં છે. હું દરેક જણને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સંજુની બીમારીના તબક્કા વિશે અફવા ફેલાવવાનું બંધ થાય. ડોક્ટરોને એમનું કામ કરવા દઈએ. અમે સંજુની તબિયતની પ્રગતિ વિશે નિયમિત રીતે અપડેટ કરતાં રહીશું. સંજુ મારો પતિ છે એટલું જ નહીં, પરંતુ અમારાં સંતાનોનો પિતા છે, અંજુ અને પ્રિયા માટે પિતાસમાન ભાઈ છે, અમારા પરિવારનો હાર્દ અને આત્મા છે. ઈશ્વરની દયા અને ચાહકોની પ્રાર્થનાથી અમે આ સંકટમાંથી પણ પાર ઉતરીશું અને વિજેતા નિવડીશું એનો મને વિશ્વાસ છે.’
સંજય દત્તને તાજેતરમાં શ્વાસની તકલીફ ઊભી થતાં બાન્દ્રા (વેસ્ટ)ની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં એની સારવાર જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડો. જલિલ પરકારે કરી હતી. પરંતુ અમુક દિવસો બાદ એને ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું.
સંજયની નવી ફિલ્મ આવી રહી છે સડક 2. એમાં તે આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે.