દિલીપકુમારના નાના ભાઈ અસલમ ખાન (88)નું મુંબઈમાં નિધન

મુંબઈઃ હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનનું આજે મુંબઈમાં અવસાન થયું છે. એ 88 વર્ષના હતા. એમને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો અને વેન્ટિલેટર પર હતા.

અસલમ ખાનને ગઈ 16 ઓગસ્ટે બાન્દ્રા (વેસ્ટ)ની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે એમનું નિધન થયું હતું.

દિલીપકુમારના પારિવારિક મિત્ર ફૈસલ ફારુકીએ ટ્વિટર પર આ સમાચાર આપ્યા હતા, જેને બાદમાં દિલીપકુમારે રી-ટ્વીટ કર્યા હતા.

દિલીપ કુમારના અન્ય નાના ભાઈ એહસાન ખાન પણ હોસ્પિટલમાં છે અને કોરોના વાઈરસની સારવાર હેઠળ છે.

અસલમ અને એહસાન, બંનેને ગયા શનિવારે શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બંને ભાઈને કૃત્રિમ શ્વસન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

ફૈસલ ફારુકીનું કહેવું છે કે એહસાન ખાન હજી લીલાવતી હોસ્પિટલમાં ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે. એમની તબિયત સારી છે. જો કે એ સાજા થઈ ગયા છે એવું હું નહીં કરું. એ સાજા થઈ જાય એવી અમે દુઆ કરીએ છીએ.

દિલીપકુમાર વિશે ફારુકીએ કહ્યું કે દિલીપસાબની તબિયત સારી છે. એ ગયા માર્ચ મહિનાથી હોમ ક્વોરન્ટાઈનમાં છે.