વિશ્વનો પ્રતિષ્ઠિત સાયન્સ એવોર્ડ ગુજરાતના ફાળે! ‘ચારુસેટ’ના પ્રોવોસ્ટ ડૉ.પંકજ જોશીની

અમદાવાદઃ ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમી દ્વારા INSA- Vainu Bappu Memorial Award માટે ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ.પંકજ જોશીની પસંદગી કરવામાં આવી છે. વિશ્વનો આ પ્રતિષ્ઠિત સાયન્સ એવોર્ડ આમ ગુજરાતના ફાળેને આવ્યો છે.

ડૉ.પંકજ એસ. જોશીએ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ અને પુસ્તકોમાં 200 જેટલાં પ્રકાશનોમાં બ્લેક હોલ ફિઝિક્સ, ગ્રેવીટેશન અને કોસ્મોલોજીમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે.

સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ તેમની વ્યવસાયિક કુશળતા માટે જાણીતા છે. પરંતુ ગુજરાતના ભાવનગરમાં જન્મેલા એક વિરલ વ્યક્તિ અને વૈજ્ઞાનિકે કોસ્મોલોજીના ક્ષેત્રમાં અદ્યતન રીસર્ચ કરીને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં અગ્રીમ હરોળમાં મૂકી દીધું છે. ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી (આઈએનએસએ), નવી દિલ્હી એ એક રાષ્ટ્રીય કક્ષાની વૈજ્ઞાનિક સંસ્થા છે, જે ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી વિભાગ હેઠળ કાર્યરત છે. તે દેશની ટોચની સાયન્સ એકેડેમી છે, જેણે ચારુસેટના પ્રોવોસ્ટ પ્રો.પંકજ જોશીની પસંદગી એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર INSA – Vainu Bappu Memorial Award – માટે કરી છે. કોસ્મોલોજી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરના મૂળભૂત રીસર્ચ માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આજ સુધી મોટેભાગે આ એવોર્ડ વૈશ્વિક રીતે પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યા છે, જેમાં ચાર નોબેલ પુરસ્કાર વિજેતાઓનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતનામ  ખગોળશાસ્ત્રીઓ/એસ્ટ્રોફિઝિસિસ્ટ્સને આપવામાં આવે છે. 1985માં જાહેર કરાયેલ સૌપ્રથમ એવોર્ડ પ્રખ્યાત ભારતીય-અમેરિકન એસ્ટ્રોફિઝિસ્ટ, પ્રો.એસ.ચંદ્રશેખરને આપવામાં આવ્યો હતો, જેમણે પાછળથી નોબેલ પારિતોષિક મેળવ્યું હતું.

આ સમ્માન પ્રાપ્ત કરનાર પુરોગામીઓમાં ચાર નોબેલ પુરસ્કાર વિજેતા અને વૈશ્વિક ખ્યાતિ પામેલા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો છે.

પ્રોફેસર આર્નો પેનઝિયાઝ અને આર ડબલ્યુ વિલ્સન, જેમણે ‘બિગ બેંગ’ થીયરીની શોધ કરી હતી અને ‘પલ્સર’ તરીકે ઓળખાતા કોમ્પેક્ટ સ્ટાર્સની શોધ કરનાર પ્રોફેસર એન્ટોની હેવિશે આ Vainu Bappu Award મેળવ્યો છે અને તેઓ નોબેલ પારિતોષિક વિજેતા છે.

INSA-Vainu Bappu Memorial Awardની શરૂઆત 1985માં શ્રીમતી સુનન્ના બાપુ, પ્રખ્યાત ખગોળશાસ્ત્રી અને એકેડેમીના ફેલો ડૉ. મનાલી વૈનુ બાપુના માતા દ્વારા કરવામાં આવી હતી. તે INSA દ્વારા પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે. આ એવોર્ડની જાહેરાત દર ત્રણ વર્ષે કરવામાં આવે છે.

આ એવોર્ડના  પ્રશસ્તિપત્રમાં જણાવ્યા અનુસાર, પંકજ એસ. જોશીએ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ અને પુસ્તકોમાં 200 જેટલા પ્રકાશનોમાં બ્લેક હોલ ફિઝિક્સ, ગ્રેવીટેશન અને કોસ્મોલોજીમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. જનરલ રિલેટીવિસ્ટિક ગ્રેવીટેશનલ કોલેપ્સ પર તેઓના ગહન વિશ્લેષણે બ્રહ્માંડમાં તારાઓની અથડામણ, સ્પેસ ટાઈમ સીન્ગ્યુલારીટીઝ અને કોસ્મિક સેન્સરશીપ પર ઘણો પ્રકાશ પાથર્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેઓના કાર્ય થકી તેઓએ દર્શાવ્યું છે કે વિશાળકાય તારાઓ બ્લેક હોલ્સ કે પછી એક્સપ્લોડીંગ ફાયરબોલ્સ જેને નેકેડ સિંગ્યુલારિટીઝ કહે છે તેમાં સમાઈ શકે છે અને તેની એસ્ટ્રોફિઝીકલ અને ક્વોન્ટમ ગ્રેવિટી સિગ્નેચર્સ પર હવે પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. 

આ એવોર્ડમાં મેડલ, પ્રશંસાપત્ર, લેકચર અને રોકડ ઇનામ આપવામાં આવે છે. અમે આ સિદ્ધિની હાર્દિક પ્રશંસા કરીએ છીએ, તેઓને અભિનંદન પાઠવીએ છીએ અને તેઓ પોતાના પ્રયત્નોમાં સતત સફળતા મેળવે એવી ઇચ્છા રાખીએ છીએ.

અત્રે નોંધનીય છે કે વિજ્ઞાનના ક્ષેત્રમાં તેઓના યોગદાનને કારણે તાજેતરમાં જ ગુજરાત વિજ્ઞાન એકેડેમીના પ્રમુખ તરીકે ડો.જોશીની નિમણૂક કરવામાં આવી છે. ડૉ.જોશી ગુજરાતના યુવાનોમાં વિજ્ઞાન અને નવ-પરિવર્તન વિશે જાગૃતિ લાવવાના અંગત મિશન સાથે કાર્ય કરે છે.

ડૉ. પંકજ જોશીએ જણાવ્યું છે કે “INSA દ્વારા આ ટોચના આંતરરાષ્ટ્રીય પુરસ્કાર થકી અમારા કોલેપ્સીંગ સ્ટાર્સ અને બ્લેક હોલ્સ અંગેના સંશોધન-કાર્યને સરાહના મળી છે તેનો મને સંતોષ છે. હું આશા રાખું છું કે આ આપણા યુવા સંશોધનકારોને કોસ્મોલોજીના આ રસપ્રદ ક્ષેત્રમાં કામ કરવા પ્રેરણારૂપ બની રહેશે.”

આ અંગે આનંદ વ્યક્ત કરતાં, ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, “ખરેખર, આ પુરસ્કારથી ગુજરાત, ચારુસેટ અને જીએસએનું ગૌરવ વધ્યું છે.”