ચંડીગઢઃ કોંગ્રેસ નેતા અને પંજાબી ગાયક સિદ્ધૂ મુસેવાલાની હત્યાના પ્રકરણમાં મુખ્ય ગુનેગાર ગણાવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિષ્નોઈ હાલ પંજાબની જેલમાં છે. ત્યાંથી એણે એક ન્યૂઝ ચેનલને મુલાકાત આપી છે. એમાં તેણે બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ધમકી આપી છે. એણે કહ્યું છે કે જો સલમાન ખાન માફી નહીં માગે તો એનું પરિણામ ખરાબ આવશે.
એબીપી ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં લોરેન્સે કહ્યું કે તેનો બિષ્નોઈ સમુદાય સલમાન પ્રત્યે નારાજ છે, કારણ કે સલમાને એમનું અપમાન કર્યું હતું. સલમાન સામે એક ગુનો નોંધવામાં આવ્યો હતો. એ માટે તેણે માફી માગી નથી. જો એ માફી નહીં માગે તો એનું ખરાબ પરિણામ આવશે. હું કોઈની પર આધાર રાખવાનો નથી, એમ લોરેન્સે વધુમાં કહ્યું.
બિષ્નોઈ સમાજે સલમાનને કહ્યું છે કે તે જમ્બેશ્વરજી મંદિર ખાતે આવીને માફી માગે. જો સલમાન ત્યાં જઈને સૌની માફી માગશે તો એને માફ કરી દેવામાં આવશે. સલમાને અમારા ભગવાનના મંદિરમાં જઈને માફી માગવી જોઈએ. જો અમારો સમાજ માફ કરશે તો હું સલમાનને ક્યારેય નુકસાન નહીં પહોંચાડું.
ઉલ્લેખનીય છે કે લોરેન્સે મૂસેવાલાની હત્યા કર્યાની કબૂલાત કરી છે. જોકે એણે સલમાન ખાન અને એના પિતા સલીમ ખાનને કોઈ પ્રકારની ધમકી આપી હોવાનો ઈનકાર કર્યો છે. ગયા વર્ષના જૂનમાં સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ એને વાઈ-પ્લસ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું. સલમાને બુલેટ પ્રૂફ કારનો ઉપયોગ શરૂ કર્યો હતો. તેમજ એના ઘરની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
