કપિલ શર્મા રૂ. 300 કરોડના માલિક છે?

નવી દિલ્હીઃ કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા હાલના દિવસોમાં આવનારી ફિલ્મ જ્વિગાટોને લઈને લાઇમલાઇટમાં છે. તે હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં તેણે આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે તેની બધી સફળતા છતાં પોતાને એક મધ્યમવર્ગીય વ્યક્તિ માને છે. કપિલની પાસે રૂ. 300 કરોડની સંપત્તિ હોવાની શક્યતા છે. તેને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે શું તમારી નેટવર્થ રૂ. 300 કરોડ છે.

એના પર કોમેડિયન હસી પડે છે. તેણે એનો જવાબ આપતાં કહ્યું હતું કે મેં બહુ પૈસા ગુમાવ્યા છે, પણ સાચું કહું તો મેં એ બધા વિશે બહુ વિચાર્યું નથી. મને ખબર છે કે મારી પાસે એક ઘર છે.એક કાર છે. મારો એક પરિવાર છે અને હું કોઈ સંત નથી, પણ આજે પણ મારી માનસિકતા સેલરીવાળી છે. મારી પત્ની ખર્ચ કરવાનું પસંદ કરે છે, પરંતુ હું નહીં.કપિલે તેની પત્નીની પણ પ્રશંસા કરી હતી. કપિલે કહ્યું હતું કે તેની પત્ની ગિન્ની ચતરથનાં લગ્ન પછી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડ્યો, કેમ કે તે એક સારા પરિવારમાંથી આવે છે. બંને પંજાબી અને સારું બોન્ડિંગ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે તેના મનમાં ગિન્ની માટે બહુ સન્માન છે, કેમ કે કપિલને કોઈ નહોતું જાણતું, ત્યારે પણ તે તેની સાથે હતી. તેણે સારા-નરસા સમયમાં તેનો સાથ આપ્યો છે.