રામચરણ એમનું નાનકડું મંદિર અમેરિકાપ્રવાસમાં પણ સાથે લઈ ગયા છે

હૈદરાબાદઃ તેલુગુ ફિલ્મ ‘RRR’ ફિલ્મના જે ગીતને ઓસ્કર એવોર્ડ મળ્યો છે તે ‘નાટુ નાટુ’ ગીતના એક અભિનેતા રામચરણ ખૂબ જ ધાર્મિક આસ્થા ધરાવતા માનવી છે. તેઓ જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે પોતાની સાથે એમનું નાનકડું પોર્ટેબલ મંદિર પણ લઈ જતા હોય છે. ઓસ્કર એવોર્ડ સમારોહ પૂર્વે નામાંકિત ગીત ‘નાટુ નાટુ’નો પ્રચાર કરવા અને 12 માર્ચના સમારોહમાં હાજરી આપવા માટે તેઓ લોસ એન્જેલીસ માટે રવાના થયા હતા ત્યારે પણ મંદિર સાથે લઈ ગયા હતા.

રામચરણે એક વિડિયો સોશિયલ મિડિયા પર અપલોડ કર્યો છે. એમાં તેઓ અને એમની પત્ની ઉપાસના ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ સામે ઊભીને પ્રાર્થના કરતાં જોઈ શકાય છે.

રામચરણે કહ્યું છે, ‘હું જ્યારે પણ વિદેશ પ્રવાસે જાઉં ત્યારે હું અને મારી પત્ની અમે બનાવેલું એક નાનકડું પોર્ટેબલ મંદિર સાથે લઈ જઈએ છીએ. આ મંદિર અમને અમારી ઊર્જાઓ સાથે અને ભારત સાથે જોડેલાં રાખે છે.’

ઉલ્લેખનીય છે કે, રામચરણ ભગવાન અય્યપ્પાના ભક્ત છે. ઓસ્કર સમારોહ માટે લોસ એન્જેલીસ જતાં પૂર્વે એમણે કેરળસ્થિત શબરીમાલા મંદિરમાં જઈને 48 દિવસનું વ્રત રાખ્યું હતું. તેઓ હૈદરાબાદથી કાળા વસ્ત્રોમાં સજ્જ થઈને અને ઉઘાડે પગે જ રવાના થયા હતા.