મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે બોલીવૂડનાં પીઢ અભિનેતા દિલીપ કુમારે હાલમાં જ એમના બે નાના ભાઈને ગુમાવી દીધા છે, પરંતુ એમના મૃત્યુની એમને ખબર નથી, એમ એમના પત્ની સાયરાબાનુએ એક અખબારી મુલાકાતમાં જણાવ્યું છે.
દિલીપ કુમારના નાના ભાઈઓ – એહસાન ખાન (90) અને અસલમ ખાન (88)નું હાલમાં જ મુંબઈમાં બાન્દ્રા સ્થિત લીલાવતી હોસ્પિટલમાં નિધન થયું હતું. બંને જણને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
પીઢ અભિનેત્રી સાયરાબાનુએ કહ્યું કે, ‘હું તમને સાચું કહું તો અમે દિલીપ સાહેબને હજી જણાવ્યું જ નથી કે અસલમભાઈ અને એહસાનભાઈનું નિધન થઈ ગયું છે. કારણ કે અમે અત્યંત દુઃખદાયક સમાચાર એમને જણાવતા નથી. અમિતાભ બચ્ચનને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એની જાણ પણ અમે એમને કરી નહોતી. દિલીપ સાહેબને અમિતાભ પ્રત્યે બહુ કૂણી લાગણી છે.’
97 વર્ષીય દિલીપ કુમારના સ્વાસ્થ્ય વિશે સાયરાબાનુએ કહ્યું કે એ પથારીવશ છે. તાજેતરમાં ડીહાઈડ્રેશનને કારણે એમના બ્લડ પ્રેશરમાં ફેરફાર આવ્યો હતો. એ માટે એમની સારવાર ચાલી રહી છે.
દિલીપ કુમારનું ટ્વિટર એકાઉન્ટ સાયરાબાનુ ઓપરેટ કરે છે અને દિલીપ કુમારના સ્વાસ્થ્ય અંગે તેમજ કોઈ મહત્ત્વના વિષયે ટ્વીટ કરતાં રહે છે.
ગયા માર્ચ મહિનામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરાયું એ પહેલાં દિલીપ કુમારે ટ્વીટ દ્વારા જાહેર કર્યું હતું કે પોતે અને એમના પત્ની સાયરાબાનુ કોરોના વાઈરસ સામે સાવચેતીના પગલા તરીકે સંપૂર્ણપણે આઈસોલેશન અને ક્વોરન્ટાઈન અવસ્થામાં છે. દિલીપ કુમારે એક અન્ય ટ્વીટમાં એમના પ્રશંસકોને પણ કહ્યું હતું કે કોરોનાથી બચવા માટે શક્ય એટલા ઘરમાં જ રહેજો.