ડ્રગ્સ કેસઃ દીપિકાની મેનેજર કરિશ્મા હજી લાપતા

મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂતના ભેદી મૃત્યુના સંબંધમાં નશીલી દવાઓ સંબંધિત એક કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના અધિકારીઓ જેની તપાસ કરી રહ્યાં છે તે કરિશ્મા પ્રકાશ હજી પણ લાપતા છે. કરિશ્મા બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનાં મેનેજર છે. કેસ સંબંધિત પૂછપરછ માટે હાજર થવાનું એનસીબીએ સમન્સ મોકલ્યું હોવા છતાં કરિશ્મા હજી હાજર થયાં નથી.

એનસીબીના વર્તુળનું કહેવું છે કે કરિશ્મા પ્રકાશ હજી સુધી એજન્સી સમક્ષ હાજર થયાં નથી કે એમને મોકલેલા સમન્સનો હજી સુધી કોઈ જવાબ પણ આપ્યો નથી. એનસીબીએ હવે સમન્સ કરિશ્માનાં માતાને તેમજ કરિશ્મા જેને માટે કામ કરે છે તે ક્વાન ટેલેન્ટ એજન્સીનાં માલિકો/સહયોગીઓને પણ સુપરત કર્યું છે.

કરિશ્મા લાપતા છે. એમને છેક 27 ઓક્ટોબરે એનસીબી સમક્ષ હાજર થવાનું જણાવવામાં આવ્યું હતું.

ગયા મહિને કરિશ્માનાં ઘરમાંથી 1.7 ગ્રામ ચરસ તથા CBD તેલની કેટલીક બોટલો મળી આવ્યા બાદ એનસીબી દ્વારા એમને નવેસરથી સમન્સ મોકલવામાં આવ્યું હતું.

એનસીબી આ કેસના સંબંધમાં આ પહેલાં દીપિકાની એક વાર પૂછપરછ કરી ચૂક્યું છે.

દીપિકા ઉપરાંત શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની પણ ડ્રગ્સને લગતા કેસમાં પૂછપરછ કરાઈ ચૂકી છે.

એનસીબી અધિકારીઓએ આ ત્રણેય અભિનેત્રીઓનાં ફોન પણ જપ્ત કર્યાં છે અને એની તપાસ માટે ફોરેન્સિક વિભાગને મોકલી આપ્યા છે.

દીપિકા અને કરિશ્મા વચ્ચે વોટ્સએપ પરની અમુક ચેટ્સમાં ડ્રગ્સ વિશે ચર્ચા થઈ હોવાનું ગયા ઓગસ્ટમાં માલૂમ પડ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એજન્સીની વિનંતીને પગલે ડ્રગ્સને લગતા કાયદા હેઠળ તપાસ કરતી એનસીબી એજન્સીએ કેસ રજિસ્ટર કર્યો હતો. એ ચેટ પોતાની જ હોવાની દીપિકાએ NCBના અધિકારીઓ સમક્ષ કબૂલાત કરી હતી, પણ પોતે ડ્રગ્સ લેતી હોવાનો એણે ઈનકાર કર્યો હતો.

સુશાંતસિંહ ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં એના ઘરમાં ભેદી સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના મૃત્યુના કેસમાં એનસીબી ઉપરાંત સીબીઆઈ અને ઈડી, એમ ત્રણ એજન્સી તપાસ કરી રહી છે.