પી.વી.સિંધુએ મજાક કરીઃ ‘હું નિવૃત્ત થાઉં છું’

હૈદરાબાદઃ દેશની નંબર-વન બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ આજે ખેલકૂદ જગતમાં સનસનાટી સર્જી દીધી હતી. ‘હું નિવૃત્ત થાઉં છું.’ એવા લખાણ સાથેની એક પોસ્ટ સોશિયલ મિડિયા પર મૂકીને એણે તેનાં ચાહકોને આંચકો આપ્યો હતો.

જોકે એણે ચોખવટ કરતાં માલૂમ પડ્યું હતું કે આ તો એણે કરેલું એક પ્રાન્ક છે, એટલે કે હળવી મજાક છે. નિવૃત્ત થવા વિશે તેનાં કહેવાનો અર્થ હતો કોરોના વાઈરસ સામે બેદરકારી રાખવામાંથી નિવૃત્તિનો.

પોતાનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સિંધુએ એક લાંબી પોસ્ટ મૂકી છે. જેમાં એણે જણાવ્યું છે કે ડેન્માર્ક ઓપન એની આખરી સ્પર્ધા હતી અને હવે તેણે આ રમતને ગુડબાય કરી દેવાનું નક્કી કર્યું છે.

રિયો ઓલિમ્પિક્સમાં સિંગલ્સ હરીફાઈનો સિલ્વર મેડલ જીતનાર અને હાલની વર્લ્ડ ચેમ્પિયન સિંધુએ કહ્યું કે હું મારી લાગણી વિશે સ્પષ્ટ કરી દેવા માગું છું. હું કબૂલ કરું છું કે એનો સામનો કરવામાં હું ખૂબ ઝઝૂમી રહી છું. બહુ ખોટું થઈ રહ્યું છે. એટલે જ આજે હું તમને આ બધું લેખિતમાં જણાવી રહી છું. એ વાત સમજી શકાય છે કે તમને આંચકો લાગ્યો હશે કે ગુંચવણ ઊભી થઈ હશે, પરંતુ આ પૂરેપૂરું વાંચશો એ પછી તમને સમજાઈ જશે કે મારા કહેવાનો અર્થ શું છે અને મને આશા છે કે તમે મને એ માટે સપોર્ટ પણ કરશો.

ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટમાં સિંધુએ વાસ્તવમાં દુનિયાભરમાં લાખો લોકોનો ભોગ લેનાર કોરોના વાઈરસ રોગચાળા સામે ફેલાયેલી નકારાત્મક્તા વિશે લખ્યું છે.

આ 25-વર્ષીય ખેલાડીએ લખ્યું છે કે આ રોગચાળાએ મારી આંખો ઉઘાડી દીધી છે. હું મારી અત્યંત કાબેલ હરીફોને હરાવવા જોરદાર મુકાબલો કરું છું, એ માટે સખત તાલીમ લઉં છું. પરંતુ આ અદ્રશ્ય વાઈરસને કેવી રીતે હરાવવો, જેણે આખી દુનિયાને સકંજામાં લીધી છે? ઘરમાં બેઠા મહિનાઓ થઈ ગયા અને હજી પણ આપણે ઘરની બહાર નીકળીએ એ દર વખતે મનમાં સવાલ જાગે છે. ઓનલાઈન માધ્યમ પર દેશ-વિદેશમાંથી આ વાઈરસ સંબંધિત અનેક દુઃખદ વાતો જાણવા મળી છે. આ વાઈરસને કારણે જ હું છેલ્લે ડેન્માર્ક ઓપનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકી નથી.

 

એટલે જ મેં હાલની આ અશાંતિમાંથી નિવૃત્ત થવાનું પસંદ કર્યું છે. હું આ નકારાત્મક્તા, સતત રહેતા ભય, અચોક્કસતામાંથી નિવૃત્ત થાઉં છું. એક અજ્ઞાત પરના અંકુશમાં પ્રવર્તતા સદંતર અભાવમાંથી નિવૃત્ત થવાનું મેં નક્કી કર્યું છે. વધુ મહત્ત્વની વાત, મેં સ્વચ્છતા વિશે હલકી રીતો અપનાવવામાંથી અને આ વાઈરસ પ્રત્યેના ઉદાસીન વલણમાંથી નિવૃત્તિ લેવાનું પસંદ કર્યું છે.

સિંધુએ વધુમાં લોકોને અપીલ કરી છે કે તેઓ આ વાઈરસને પરાસ્ત કરવામાં જરાય પીછેહઠ ન કરે અને સજ્જ રહે.

આ મજાક (Prank) દ્વારા પોતે એનાં પ્રશંસકોને કદાચ મિની-હાર્ટ એટેક આપ્યો હશે એવું કબૂલ કરીને સિંધુએ જણાવ્યું છે કે ભાગ્યે જ આવતા આવા કપરા સમયમાં લોકોનું ધ્યાન ખેંચવા માટે જ એણે આમ કર્યું છે. આમ છતાં એણે સ્પષ્ટતા પણ કરી છે કે પોતે આગામી એશિયા ઓપન સ્પર્ધામાં જરૂર ભાગ લેવાની છે.