સ્પિન બોલિંગ સામે પણ હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવોઃ તેંડુલકર

મુંબઈઃ દંતકથા સમાન બેટ્સમેન અને ‘ભારત રત્ન’ સમ્માનિત સચીન તેંડુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના સત્તાવાળાઓને વિનંતી કરી છે કે ક્રિકેટ મેચો વખતે સ્પિન બોલિંગ સામે રમતી વખતે પણ બેટ્સમેનો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવો.

હાલ આઈપીએલ-2020 સ્પર્ધામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની લીગ મેચમાં હૈદરાબાદના બેટ્સમેન વિજય શંકરને પંજાબ ટીમના ફિલ્ડર નિકોલસ પૂરને થ્રો કરેલો બોલ માથામાં વાગ્યાની ઘટના બાદ તેંડુલકરે આઈસીસીને ઉપર મુજબ વિનંતી કરી છે.

સચીન તેંડુલકરે ટ્વીટ દ્વારા આ માગણી કરી છે. એમણે અણિયાળો સવાલ કર્યો છે કે, ક્રિકેટ રમત વધારે ઝડપી તો બની છે, પણ વધારે સુરક્ષિત બની છે ખરી?

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ મેચોમાં બેટ્સમેનો ફાસ્ટ બોલિંગનો સામનો કરતી વખતે તો માથા પર હેલ્મેટ પહેરે જ છે, પરંતુ સ્પિન બોલિંગ સામે પહેરતા નથી. જેવી સ્પિન બોલિંગ શરૂ થાય કે બેટ્સમેનો હેલ્મેટ ઉતારીને માત્ર કેપ પહેરીને અથવા ખુલ્લા માથા સાથે રમતા હોય છે.

વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની જેવા ભારતીય ખેલાડીઓ સહિત લગભગ દરેક દેશી-વિદેશી ખેલાડીઓ આ રીતે રમતા હોય છે.

પરંતુ સચીન તેંડુલકરે હવે આઈસીસીને વિનંતી કરી છે કે તે બેટ્સમેનો માટે તમામ પ્રકારની બોલિંગ વખતે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવી દે. ‘છેલ્લા અમુક સમયમાં આપણે કેટલાક દ્રશ્યો જોયા છે, જે બહુ ખતરનાક બની શકત. સ્પિન બોલિંગ હોય કે ફાસ્ટ બોલિંગ, પ્રોફેશનલ સ્તરે બેટ્સમેનો હેલ્મેટ પહેરે એને ફરજિયાત કરી દેવું જોઈએ. આઈસીસીને હું વિનંતી કરું છું કે તે આ બાબતને પ્રાથમિકતા પર લે.’

તેંડુલકરે પોતાના ટ્વીટમાં આઈપીએલ-2020ની તે મેચનો વિડિયો પણ શેર કર્યો છે, જેમાં રન લેવા દોડેલો વિજય શંકર ફિલ્ડર પૂરને થ્રો કરેલો બોલ માથા પર વાગતા જમીન પર ફસડાઈ પડે છે. ફિઝિયોને તરત જ મેદાન પર દોડી જવું પડે છે અને શંકરની ઈજાને તપાસે છે. સદ્દભાગ્યે 29-વર્ષીય શંકરે હેલ્મેટ પહેરી હતી. (જુઓ સચીનનું ટ્વીટ અને વિડિયો)