ક્વાલિફાયર-1: દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ્ફની કમનસીબીનો અંત લાવી શકશે?

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝન અથવા આઈપીએલ-2020નો લીગ તબક્કો સમાપ્ત થયો છે. 56 મેચો પૂરી થઈ ચૂકી છે અને હવે શરૂ થશે પ્લેઓફ્ફ તબક્કો.

આ ચાર ટીમ પ્લેઓફ્ફમાં પહોંચી છેઃ

મુંબઈ ઈન્ડિયન્સ (14 મેચમાં 9 જીત સાથે 18 પોઈન્ટ), દિલ્હી કેપિટલ્સ (14 મેચમાં 8 જીત સાથે 16 પોઈન્ટ), સનરાઈઝર્સ હૈદરાબાદ (14 મેચમાં 7 જીત સાથે 14 પોઈન્ટ, +0.608 રનરેટ) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (14 મેચમાં 7 જીત સાથે 14 પોઈન્ટ, – 0.172).

કોલકાતા નાઈટ રાઈડર્સે પણ 14 મેચમાં 7 જીતીને 14 પોઈન્ટ હાંસલ કર્યા હતા, પણ બેંગલોર કરતાં એનો નેટ રનરેટ ઓછો છે – માઈનસ 0.214

હવે, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પાંચ નવેમ્બરે દુબઈમાં પહેલી ક્વાલિફાયર-1 મેચ રમાયા બાદ 6 નવેમ્બરે અબુ ધાબીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. ત્યારબાદ 8 નવેમ્બરે અબુ ધાબીમાં જ ક્વાલિફાયર-1 મેચની પરાજિત ટીમ અને એલિમિનેટર મેચની વિજેતા ટીમ વચ્ચે ક્વાલિફાયર-2 મેચ રમાશે. 10 નવેમ્બરે દુબઈમાં ફાઈનલ મેચ રમાશે, જેમાં ક્વાલિફાયર-1 વિજેતા અને ક્વાલિફાયર-2ની વિજેતા વચ્ચે મુકાબલો થશે.

(ચાર કેપ્ટન – ડાબેથી જમણે) રોહિત શર્મા (મુંબઈ ઈન્ડિયન્સ), શ્રેયસ ઐયર (દિલ્હી કેપિટલ્સ), ડેવિડ વોર્નર (સનરાઈઝર્સ હૈદરાબાદ), વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલોર)

દિલ્હીને પ્લેઓફ્ફમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધાની છેક 55મી મેચના પરિણામ સુધી રાહ જોવી પડી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદે તેની છેલ્લી લીગ મેચમાં મુંબઈ ટીમ પર 10-વિકેટથી જીત હાંસલ કરી હતી. શું આ કારમી હારથી મુંબઈ ટીમના ખેલાડીઓના મનોબળને ફટકો પડશે? જવાબ છે – ના. કારણ કે એ મેચના પરિણામથી મુંબઈ ટીમના ભાવિ પર કોઈ અસર પડવાની નહોતી. એ પહેલેથી જ પ્લેઓફ્ફમાં પહોંચી ચૂકી હતી. વળી, તે મેચમાં મુંબઈએ જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા કાતિલ ફાસ્ટ બોલરોને આરામ આપ્યો હતો. આ બંને બોલર આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં સાથે મળીને કુલ 43 વિકેટ પાડી ચૂક્યા છે. તેથી હવે આવતીકાલની પ્લેઓફ્ફ મેચમાં આ ટીમ દિલ્હી કેપિટલ્સ સામે ફરી પૂરી તાકાતથી ઉતરશે.

બીજી બાજુ, દિલ્હી કેપિટલ્સ ટીમ પ્લેઓફ્ફમાં હારી જવાની એની કમનસીબીનો આ વખતે અંત આવી જાય એવું પસંદ કરશે. પરંતુ વર્તમાન સ્પર્ધામાં તે મુંબઈ ઈન્ડિયન્સ સામે બે લીગ મેચમાં હારી ચૂકી છે. એ તેની મોટી હાર હતી. તેથી જ પ્લેઓફ્ફ જીતવા મુંબઈ ફેવરિટ છે. તે છતાં આ વખતની સ્પર્ધામાં ઘણું બધું પહેલી વાર જોવા મળ્યું છે. જેમ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલી જ વાર પ્લેઓફ્ફ માટે ક્વોલિફાઈ થઈ શકી નથી.

2012 અને 2016ની આઈપીએલમાં બે નવી ટીમ ટુર્નામેન્ટ જીતી હતી તેથી દિલ્હી કેપિટલ્સ ટીમને પણ થોડીક આશા રહેશે કે તેઓ મુંબઈને હરાવી શકશે અને ફાઈનલમાં પ્રવેશ કરી શકશે.

બીજી બાજુ, ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તેનું પ્રભુત્વ યથાવત્ રહે એવા પ્રયત્નો કરશે.