મુંબઈ ઈન્ડિયન્સ IPL2020ની ફાઈનલમાં: ટ્રેન્ટ બોલ્ટ ઈજાગ્રસ્ત

દુબઈઃ રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ક્વાલિફાયર-1 મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમને પરાજય આપીને આઈપીએલ-2020 સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી ગઈ છે. મુંબઈએ ગઈ કાલે દુબઈમાં રમાઈ ગયેલી મેચમાં દિલ્હીને 57-રનથી પરાજય આપ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટે 200 રન કર્યા હતા. તેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ ટીમ 20 ઓવરમાં 8-વિકેટ ગુમાવીને 143 રન કરી શકી હતી.

હવે આજે અબુ ધાબીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની એલિમિનેટર મેચની વિજેતા સામે 8 નવેમ્બરની (ક્વાલિફાયર-2) મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો થશે.

પરંતુ, મુંબઈ ટીમ માટે એક નિરાશાજનક સમાચાર એ છે કે એનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ ઈજાગ્રસ્ત થયો છે. એની સાથળનો સ્નાયૂ ખેંચાઈ ગયો છે. આ ન્યૂઝીલેન્ડનો બોલર ગઈ કાલે માત્ર બે જ ઓવર ફેંકી શક્યો હતો. એણે પહેલી જ ઓવરમાં પૃથ્વી શૉ અને અજિંક્ય રહાણેને આઉટ કર્યા હતા. એ બંને બેટ્સમેન ઝીરો પર આઉટ થયા હતા.

મેન ઓફ ધ મેચ બન્યો હતો ટીમનો અન્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, જેણે 4 ઓવરમાં 14 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

ક્વાલિફાયર-2 મેચમાં જે ટીમ જીતશે એની સામે 10-નવેમ્બરની ફાઈનલમાં મુંબઈનો મુકાબલો થશે.

બોલ્ટની ઈજા વિશે જોકે મુંબઈ ટીમના કેપ્ટન રોહિત શર્માએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ફાઈનલ સુધીમાં એ સાજો થઈ જશે. ત્રણ દિવસનો આરામ મળશે એટલે એ મેદાન પર પાછો આવી જશે.

બુમરાહ અને બોલ્ટ સમગ્ર સ્પર્ધા દરમિયાન જોરદાર ફોર્મમાં રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]