પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડમાં બન્યાં ભારતીય-મૂળનાં પ્રથમ પ્રધાન

ઓકલેન્ડઃ ભારતમાં જન્મેલાં, 41 વર્ષીય પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડમાં પ્રધાન તરીકે નિમાયાં છે. તેઓ વડાં પ્રધાન જેસીન્ડા આર્ડર્નની સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યાં છે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે ન્યૂઝીલેન્ડમાં ભારતીય-મૂળનાં પ્રથમ પ્રધાન છે. તેઓ એમનાં પતિ સાથે ઓકલેન્ડમાં રહે છે.

પ્રિયંકા રાધાકૃષ્ણન મૂળ કેરળનાં વતની છે. સતત બીજી મુદત માટે વડાં પ્રધાન તરીકે ચૂંટાઈ આવેલાં જેસીન્ડા આર્ડર્ને એમની કેબિનેટમાં પાંચ સભ્યોને પસંદ કર્યાં છે. પ્રિયંકા રાધાકૃષ્ણન એમાંના એક છે. એમણે આજે કમ્યુનિટી અને વોલન્ટરી મંત્રાલયનાં પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં હતાં.

પ્રિયંકા રાધાકૃષ્ણનનો જન્મ તામિલનાડુના ચેન્નાઈમાં થયો હતો અને ઉછેર સિંગાપોરમાં થયો હતો. જોકે એમનાં પૂર્વજો કેરળના કોચી જિલ્લાના પારાવુરનાં હતા. એમનાં દાદા મેડિકલ પ્રોફેશનલ હતા અને કમ્યુનિસ્ટ વિચારસરણીવાળા હતા.

પ્રિયંકા રાધાકૃષ્ણન બે વખત ઓકલેન્ડમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયાં હતાં. એમણે ક્રાઈસ્ટચર્ચમાંથી ન્યૂઝીલેન્ડનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યું હતું અને લેબર પાર્ટીમાં જોડાઈને 2004થી તેઓ સક્રિય રાજકારણમાં છે.

ગયા વખતના ઓનમ તહેવાર વખતે પ્રિયંકા રાધાકૃષ્ણન એક લાઈવ કાર્યક્રમમાં ઉપસ્થિત થયાં હતાં અને ત્યારે એમની સાથે વડાં પ્રધાન જેસીન્ડા આર્ડર્ન પણ હતાં. બંનેએ કેરળવાસીઓને ઓનમ તહેવારની શુભેચ્છા આપી હતી.

પ્રિયંકા રાધાકૃષ્ણનને મલયાલમ ગીતો બહુ ગમે છે અને એમણે એક મુલાકાતમાં કહ્યું કે યેસુદાસ એમનાં ફેવરિટ ગાયક છે.

2019માં પ્રિયંકા રાધાકૃષ્ણનની નિમણૂક વંશીય સમાજોના ખાતાના પ્રધાનના અંગત સંસદીય સચિવ તરીકે કરવામાં આવી હતી. હવે વડાં પ્રધાન જેસીન્ડાએ એમને આ જ ખાતું સોંપ્યું છે અને સાથોસાથ કમ્યુનિટી અને વોલન્ટરી સેક્ટરનાં પ્રધાન અને સામાજિક વિકાસ તથા રોજગાર ખાતાના સહયોગી પ્રધાન પણ બનાવ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]