કોરોના સંકટમાં સેલિબ્રિટીઓ દ્વારા મદદઃ અક્ષયનું નામ ટોચ પર, કોહલી તળિયે

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાએ આખા દેશને ભરડામાં લીધો છે ત્યારે અનેક જાણીતી હસ્તીઓ જરૂરિયાતમંદો, ગરીબો, માઈગ્રન્ટ મજૂર-કામદારોને મદદરૂપ થવા માટે આગળ આવી છે. આવી વ્યક્તિઓની એક યાદી તૈયાર કરી્ છે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બ્રાન્ડ્સ (IIHB) નામની સંસ્થાએ.

સદીની સૌથી ખરાબ કટોકટીના આ દિવસોમાં નામાંકિત વ્યક્તિઓએ દાન આપવાનું અને ચેરિટી કામ કરવામાં જરાય પાછું વાળીને જોયું નથી. IIHB સંસ્થાના અહેવાલમાં કોરોના સંબંધિત કોઈ પણ પ્રકારના દાન સંબંધિત એવી તમામ જાહેરાતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે હસ્તીઓના પબ્લિક રિલેશન્સ દ્વારા કરવામાં આવી છે.

IIHB સંસ્થાની એક સમિતિએ ‘સેલિબ્રિટી હાર્ટફુલનેસ ઈન્ડેક્સ’ તૈયાર કરી છે જેમાં સેલિબ્રિટી વ્યક્તિઓએ ચેરિટી માટે દાનમાં આપેલી તમામ રકમને ધ્યાનમાં લેવામાં આવી છે. સેલિબ્રિટી વ્યક્તિઓએ દાનની રોકડ રકમ ચૂકવી દીધી છે કે આપવાનું વચન આપ્યું છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર અને એની પત્ની ટ્વિન્કલ ખન્ના આ યાદીમાં પરફેક્ટ-10 પોઈન્ટ સાથે મોખરે છે. અક્ષયે પીએમ-કેર્સ ફંડમાં રૂ. 25 કરોડનું દાન આપ્યું છે. અક્ષયે દાનની રકમ અને પોતે ક્યાં આપી છે એની પારદર્શકતા રાખી હોવાથી એણે વધુ પોઈન્ટ સ્કોર કર્યા છે.

આ સમિતિએ ટ્વિન્કલ ખન્નાને પણ 10 પોઈન્ટ આપ્યા છે, કારણ કે ઘણી વાર એવું બનતું હોય છે કે જાણીતી હસ્તીઓને એમના જીવનસાથી મોટી રકમનું દાન કરતા રોકતા હોય છે, પરંતુ ટ્વિન્કલે અક્ષયને 25 કરોડ જેટલું ધરખમ દાન કરતા રોક્યો નથી.

સંગીત વિતરણ કંપની ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે પીએમ-કેર્સ ફંડમાં રૂ. 11 કરોડ આપ્યા છે અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં રૂ. 1 કરોડ આપ્યા છે. એમણે 9 પોઈન્ટ સ્કોર કર્યા છે.

જે સેલિબ્રિટીઓએ નાની રકમનું દાન કર્યું છે એમને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. આમાં યુવા બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યનનો પણ સમાવેશ કરાયો છે, એણે 8 પોઈન્ટ મેળવ્યા છે. કોરોના વાઈરસ રોગચાળાથી સાવચેત રહેવા વિશે જનજાગૃતિ ફેલાવતો વિડિયો સોશિયલ મિડિયા પર મૂકનાર એ પ્રથમ સેલિબ્રિટી વ્યક્તિ હતો. એણે વિડિયો દ્વારા તેના પ્રશંસકોને વિનંતી કરી હતી કે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં ધ્યાન રાખે. કાર્તિકે પીએમ-કેર્સ ફંડમાં રૂ. 1 કરોડનું દાન આપ્યું છે.

અભિનેતા કાર્તિક આર્યન

ફેશન ડિઝાઈનર સબ્યાસાચીએ 8 રેટિંગ પોઈન્ટ મેળવ્યા છે. રૂ. 1 કરોડનું દાન કરવા બદલ બોલીવૂડ અભિનેતા વિકી કૌશલે 7.5 રેટિંગ્સ મેળવ્યા છે. સુરેશ રૈના, રોહિત શર્મા, સૌરવ ગાંગુલી જેવા ક્રિકેટરોએ પણ ઈન્ડેક્સમાં સારો દેખાવ કર્યો છે. મહાન ગાયિકા લતા મંગેશકર, સચીન તેંડુલકર, સલમાન ખાન, હેમા માલિનીએ પણ ઈન્ડેક્સમાં નામ મેળવ્યું છે.

પરંતુ આ ઈન્ડેક્સમાં જેમણે સારો દેખાવ કર્યો નથી એવા નામોમાં આંચકાજનક રીતે ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને એની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માનો સમાવેશ થાય છે. એવી જ રીતે, બોલીવૂડ કલાકાર દંપતી દીપિકા પદુકોણ અને રણવીર સિંહ પણ આ યાદીમાં નિરાશાજનક રહ્યા છે. આ ચારેય જણના ઝીરો રેટિંગ્સ છે, કારણ કે એમણે ચેરિટીને લગતી કોઈ જાહેરાતો કરી નથી. વિકેટકીપર અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ માત્ર એક લાખ રૂપિયા જેટલું મામુલી રકમનું દાન કર્યું છે, તો ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ રૂ. 11 લાખનો ચેક આપ્યો છે. આમ, આ લોકોનો પણ યાદીમાં કંગાળ દેખાવ રહ્યો છે.

યાદીમાં નીચેના સ્તરે રહેનાર અન્ય હસ્તીઓ છે – આમિર ખાન, આલિયા ભટ્ટ, સારા અલી ખાન, કૃતિ સેનન, કિયારા અડવાની.

IIHB સંસ્થાએ તેના અહેવાલમાં બોલીવૂડ, ક્રિકેટ, સ્પોર્ટ્સ, ટેલિવિઝન જેવા માધ્યમોમાંથી 180થી વધારે સેલિબ્રિટી વ્યક્તિઓને સામેલ કરી છે.