મુંબઈઃ પોર્નોગ્રાફિક (અશ્લીલ) ફિલ્મો કથિતપણે બનાવવા અને કેટલીક એપ્લિકેશન્સ મારફત એને પ્રસિદ્ધ કરવાના ગુના સંબંધિત એક કેસમાં મુંબઈ પોલીસે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે આજે બપોરે કુન્દ્રાને સ્થાનિક કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે કુન્દ્રા અને એમના સહાયક રાયન થાર્પને 23 જુલાઈ સુધી પોલીસ રીમાન્ડ પર રાખવાની મુંબઈ પોલીસને મંજૂરી આપી હતી. મીડિયા અહેવાલ અનુસાર, મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કેસ આ વર્ષના ફેબ્રુઆરીમાં મલાડ (વેસ્ટ) ઉપનગરના માલવણી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. એક મહિલાએ પોલીસમાં ફરિયાદ કર્યા બાદ કુન્દ્રા સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. ઈન્ડિયન પીનલ કોડ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાની સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે 45 વર્ષીય કુન્દ્રાની ક્રાઈમ બ્રાન્ચે ગઈ કાલે રાતે ધરપકડ કરી હતી. આ કેસમાં એ મુખ્ય કાવતરાબાજ હોવાનું કહેવાય છે. પોલીસે આ કેસમાં 9 જણની ધરપકડ કરી છે. એમાં મોડેલમાંથી અભિનેત્રી બનેલી ગહના વશિષ્ઠ તથા રાજ કુન્દ્રાના ભૂતપૂર્વ કર્મચારી ઉમેશ કામતનો પણ સમાવેશ થાય છે.
પોલીસો આજે વહેલી સવારે કુન્દ્રાને તબીબી પરીક્ષણ માટે દક્ષિણ મુંબઈના નાગપાડા વિસ્તારની જે.જે. હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી એમને દક્ષિણ મુંબઈના ક્રાફર્ડ માર્કેટ વિસ્તારમાં આવેલા મુંબઈ પોલીસ કમિશનરના કાર્યાલયમાં લઈ જવામાં આવ્યા હતા. રાજ કુન્દ્રા મૂળ એક બસ કન્ડક્ટરના પુત્ર છે. બાદમાં એમણે ટ્રેડિંગ, મકાન બાંધકામ, રિયલ એસ્ટેટ, એનર્જી, સ્ટીલ, શેરમાર્કેટ, મીડિયા, સ્પોર્ટ્સ અને ગોલ્ડ ટ્રેડિંગ જેવા અનેક બિઝનેસ શરૂ કર્યા હતા. રાજ અને શિલ્પા લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જીવવા માટે જાણીતાં છે. તેઓ જુહૂ વિસ્તારમાં વૈભવશાળી બંગલામાં રહે છે. તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં રાજસ્થાન રોયલ્સનાં સહ-માલિકો પણ છે.