શિલ્પાની સંડોવણીનો હજી પુરાવો મળ્યો નથીઃ મુંબઈ-પોલીસ

મુંબઈઃ બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાને સંડોવતા પોર્નોગ્રાફી કેસમાં અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીની કોઈ સક્રિય ભૂમિકા હોવા વિશે હજી સુધી કોઈ પુરાવો મળ્યો નથી, એવું મુંબઈ પોલીસનું કહેવું છે. આ કેસમાં કુન્દ્રાની ધરપકડને પગલે બોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે. કુન્દ્રા પર આરોપ છે કે પોર્નોગ્રાફીક ફિલ્મો બનાવી, વેચવાના તથા એને મોબાઈલ એપ્સ પર એને પ્રસિદ્ધ કરવાના એક કૌભાંડમાં એ સૂત્રધાર છે.

મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર મિલિંદ ભરાંબેએ પત્રકારોને જણાવ્યું કે આ કેસમાં શિલ્પા શેટ્ટીની સંડોવણીનો હજી સુધી કોઈ પુરાવો મળ્યો નથી, પરંતુ તપાસ હજી ચાલુ છે. આ કૌભાંડનો ભોગ બનેલી વ્યક્તિઓને અમારી અપીલ છે કે તેઓ ડર રાખ્યા વગર આગળ આવે અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે. અમે ઉચિત પગલું ભરીશું. આ કેસમાં રાજ કુન્દ્રા અને એમના ટેકનિકલ સહાયક રાયન થાર્પ સહિત 12 જણની ધરપકડ કરવામાં આવી છે. આ તમામને મેજિસ્ટ્રેટ કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાની પોલીસને મંજૂરી આપી છે. ધરપકડ કરાયેલી અન્ય વ્યક્તિઓ છેઃ ટીવી અભિનેત્રી ગહના વશિષ્ઠ, યાસ્મીન આર. ખાન, મોનુ જોશી, પ્રતિભા નલાવડે, એમ. અતિફ એહમદ, દિપાંકર પી. ખાસનવીસ, ભાનુસૂર્યા ઠાકુર, તન્વીર હાશ્મી, ઉમેશ કામત.