દીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો

ભારતીય ક્રિકેટ ટીમે 20 જુલાઈ, મંગળવારે કોલંબોના પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને 3-વિકેટથી રોમાંચક પરિણામમાં હરાવ્યું. ભારતીય ટીમે માત્ર પાંચ બોલ ફેંકાવાના બાકી હતા ત્યારે મેચ જીતી લેતાં 3-મેચની સિરીઝને 1-1થી સરભર કરવાના શ્રીલંકા ટીમના મનસુબા પર પાણી ફરી વળ્યું. ભારતે 2-0થી સિરીઝને કબજામાં લઈ લીધી છે. ભારતની આ જીતનો મુખ્ય હકદાર બન્યો છે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર દીપક ચાહર. બોલિંગમાં બે વિકેટ લીધા બાદ ચાહરે એવી બેટિંગ કરી કે ભારતનો પરાજય વિજયમાં પલટાઈ ગયો. શ્રીલંકાએ ટોસ જીતીને તેની 50 ઓવરમાં 9 વિકેટે 275 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે 49.1 ઓવરમાં 7 વિકેટના ભોગે 277 રન કરીને મેચ-સિરીઝ જીતી લીધી. 8મા નંબરે આવેલો દીપક ચાહર 82 બોલ રમ્યો હતો અને 69 રન કરીને નોટઆઉટ રહ્યો. એની સાથે વાઈસ-કેપ્ટન ભૂવનેશ્વર કુમાર 19 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. આ બંનેએ 84 રનની અણનમ ભાગીદારી અને શ્રીલંકાના હાથમાં ગયેલો વિજય ઝૂંટવી લીધો. ચાહરે વિનિંગ-શોટ તરીકે ચોગ્ગો ફટકાર્યો હતો. ચાહરના દાવમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે. ભૂવનેશ્વરે બે બાઉન્ડરી ફટકારી હતી. કારકિર્દીની બીજી જ મેચ રમતા મિડલ-ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 53 રન કર્યા હતા. અન્ય ખેલાડીઓનો સ્કોરઃ પૃથ્વી શૉ 13, કેપ્ટન શિખર ધવન 29, ઈશાન કિશન 1, મનીષ પાંડે 37, હાર્દિક પંડ્યા ઝીરો, કૃણાલ પંડ્યા 35. ત્રીજી અને સિરીઝની આખરી વન-ડે મેચ 23 જુલાઈએ રમાશે. ત્યારબાદ 3-મેચની ટ્વેન્ટી-20 સિરીઝ રમાશે.

વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 8મા નંબરે ભારત વતી સૌથી વધુ રન કરનારાઓમાં દીપક ચાહર બીજા નંબરે છે. પહેલા નંબરે રવીન્દ્ર જાડેજા છે, જેણે 2019માં માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 77 રન કર્યા હતા.

ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમવા ગયેલા વિરાટ કોહલી અને તેના સાથીઓ લંડનમાં ટીવી પર મેચ જોતી વખતે કોલંબોમાં ભારતની રોમાંચક જીત સાથે આનંદથી ઝૂમી ઉઠ્યા હતા.

શ્રીલંકા પર ભારતનો આ સતત 9મો સિરીઝ વિજય છે. કેપ્ટન તરીકે શિખર ધવનનો આ પહેલો સિરીઝ વિજય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]