કોલકાતાઃ મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનર્જીને એક પછી એક CIDના નોટિસ મળી રહી છે. પશ્ચિમ બંગાળ પોલીસે તાળું તોડી અભિષેકના ઘરમાં પ્રવેશ કરીને તલાશી લીધી હતી. અભિષેકના સૌથી વિશ્વાસુ સહયોગી અને પીએ (PA) સુમિત રોયને બંગાળ પોલીસ છેલ્લા ત્રણ દિવસથી શોધી રહી છે. પ્રશ્ન એ છે કે સુમિત રોય પાસે એવાં કયાં રહસ્યો છે જેને કારણે અભિષેક બેનર્જી ચિંતિત હોવાનું કહેવાય છે? તેમ જ મમતા બેનરજી વહેલી સવારે ચાર વાગ્યે અભિષેકના ઘરે કેમ પહોંચી? શું અભિષેક બેનર્જીને હવે લાગે છે કે તેમને જેલ જવાથી કોઈ બચાવી શકશે નહીં?
તાળું તોડી ઘરમાં ઘૂસી પોલીસ
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અભિષેકના નજીકના સહયોગી અને પીએ સુમિત રોયની શોધમાં હતી. સુમિત રોય પર ચૂંટણી દરમિયાન ટિકિટ અપાવવાને નામે પૈસા ઉઘરાવવાના આરોપો છે. સુમિત રોયના મોબાઇલની ટાવર લોકેશન અગાઉની રાત્રે કાલીઘાટમાં અભિષેકના ઘરની નજીક મળી હતી. આ માહિતીને આધારે શાલબની પોલીસ અને કોલકાતા પોલીસ સવારે લગભગ ચાર વાગ્યે અભિષેકના ઘરે પહોંચી હતી. અનેક વખત બોલાવવા છતાં દરવાજો ન ખૂલતાં પોલીસે મુખ્ય ગેટનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સમગ્ર ઘરની તલાશી લીધી. જોકે સુમિત રોય ત્યાં ન મળતાં પોલીસ પરત ફરી હતી. અહેવાલો અનુસાર, આ કાર્યવાહી બાદ મમતા બેનર્જી પણ અભિષેકના ઘરે પહોંચી હતી અને તેમની સાથે લાંબી ચર્ચા કરી હતી.
અભિષેક શા માટે ચિંતિત છે?
સુમિત રોયને અભિષેક બેનર્જીનો ‘રાઇટ હેન્ડ’ માનવામાં આવે છે. કહેવાય છે કે અભિષેક સુધી પહોંચવા માટે પહેલાં સુમિત રોય સાથે સંપર્ક કરવો પડતો હતો. તેમની મંજૂરી વિના કોઈ વ્યક્તિ અભિષેક સુધી પહોંચી શકતો નહોતો.
અભિષેક બેનર્જી પર CIDનો શિકંજો
નકલી સહી (Fake Signature) કેસ બાદ હવે અભિષેક બેનર્જીને ભડકાઉ ભાષણ (Hate Speech) મામલે પણ CID સમક્ષ હાજર થવું પડશે. CIDએ ચૂંટણી દરમિયાન આપેલા તેમના “ડીજે વાળા નિવેદન” અંગે પૂછપરછ માટે 16 જૂને તેમને ભવાની ભવનમાં હાજર રહેવા નોટિસ પાઠવી છે. એ પહેલાં 14 જૂને નકલી સહી કેસમાં પણ તેમની પૂછપરછ થવાની છે.
શું અભિષેકનું જેલ જવું નિશ્ચિત છે?
આ દરમિયાન TMCમાંથી સસ્પેન્ડ થયેલા નેતા રિજુ દત્તાએ અભિષેક બેનર્જીએ જણાવ્યા મુજબ હવે અભિષેક બેનર્જીને જેલ જવાથી કોઈ બચાવી શકશે નહીં. તેમની સામે ગાય તસ્કરીથી લઈને કોલસા તસ્કરી સુધીના કેસોમાં નામ આવ્યું છે. તેથી તેઓ જેલ જશે તે લગભગ નિશ્ચિત છે.






