મુંબઈઃ બોલીવૂડમાં ડ્રગ્સ કૌભાંડ વિશે હાલ તપાસ ચાલી રહી છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ બોલીવૂડની અનેક હસ્તીઓનાં મોબાઈલ ફોન સહિત 85 ગેજેટ્સ ગાંધીનગર સ્થિત ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ (ડીએફએસ)ને મોકલી આપ્યા છે. ફોન તથા ગેજેટ્સમાંની ડેટા મેળવી એનો અભ્યાસ કરવા માટે આ નિર્ણય લેવાયો છે. રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દીપિકા પદુકોણ, અર્જુન રામપાલ તથા એમના સહયોગીઓનાં ફોનને ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
એનસીબીના તપાસ અધિકારીઓ આ ફિલ્મી હસ્તીઓનાં ફોનમાંથી ડીલિટ કરાયેલી વોઈસ ક્લિપ્સ, વિડિયોઝ, ચેટ્સ તથા એ બધું કોને મોકલવામાં આવ્યું હતું તે મોબાઈલ નંબરો મેળવવામાં આવી રહ્યા છે. ફોરેન્સિક લેબોરેટરી જે એનાલિસિસ કરશે તેના આધારે નક્કી થશે કે ડ્રગ્સની ક્વાલિટી કેટલી હતી. એ સાથે જ સપ્લાયરના નેટવર્ક સુધી અને ડ્રગ્સ ખરીદનારાઓ સુધી પહોંચી શકાશે.