‘આદિપુરુષ’ પર પ્રતિબંધ મૂકોઃ સિનેમાક્ષેત્રના કાર્યકરોની પીએમ મોદીને અપીલ

મુંબઈઃ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે થિયેટરોમાં ‘આદિપુરુષ’ ફિલ્મના પ્રદર્શન પર તેઓ તત્કાળ પ્રતિબંધ મૂકાવે અને આ ફિલ્મને ભવિષ્યમાં ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર પણ રજૂ કરવા પર પ્રતિબંધ મૂકી દે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે, આ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત, સંવાદલેખક મનોજ મુંતશિર શુક્લા અને નિર્માતાઓ વિરુદ્ધ પોલીસમાં એફઆઈઆર ફરિયાદ નોંધાવી જોઈએ. ‘આદિપુરુષ’ ફિલ્મની પટકથા અને સંવાદો ભગવાન રામ અને ભગવાન હનુમાનની પ્રતિષ્ઠાને લાંછન લગાડનાર છે. આ ફિલ્મે હિન્દુ અને સનાતન ધર્મનાં લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે. પ્રભુ શ્રી રામ ભારતમાં પ્રત્યેક જણ માટે ભગવાન છે, પછી એ વ્યક્તિ ભલે કોઈ પણ ધર્મની હોય. આ ફિલ્મમાં ભગવાન રામ અને રાવણના પાત્રોને કોઈ વિડિયો ગેમના પાત્રો જેવા દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મના ડાયલોગ્સ ભારતમાં તેમજ દુનિયાભરમાં વસતા પ્રત્યેક ભારતીયની લાગણીને ઠેસ પહોંચાડનારા છે. ભારતીય સિનેમાના ઈતિહાસની આ સૌથી શરમજનક ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાને કામ કરવું જોઈતું નહોતું. ‘આદિપુરુષ’ ફિલ્મ શ્રી રામ અને રામાયણ ગ્રંથમાં રહેલી આપણી શ્રદ્ધા પર એક ઘોર આપત્તિ સમાન છે.