નાગરિકોને સુરક્ષિત રાખવા બદલ અક્ષય, આલિયાએ મુંબઈ પોલીસનો આભાર માન્યો

મુંબઈઃ ભયાનક કોરોના વાઈરસ આખા દેશમાં ફેલાયો છે ત્યારે એનો સામનો કરવા માટે હિન્દી ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ પણ એમના શક્ય હોય એ દરેક રીતે સાથ-સહકાર આપી રહી છે.

બોલીવૂડ કલાકારો તથા અન્ય મહારથીઓ લોકોને લોકડાઉનના નિયમોનું પાલન કરવા સમજાવતા રહે છે, રાહત કાર્યો કરવામાં મદદરૂપ થાય છે તો રાહત ભંડોળમાં પોતાનાથી બનતું દાન પણ આપે છે.

અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, ટાઈગર શ્રોફ, શાહિદ કપૂર, અર્જૂન કપૂર જેવા કલાકારોએ શહેરના નાગરિકોને સુરક્ષિત રાખવા બદલ મુંબઈના પોલીસ વિભાગનો આભાર માન્યો છે. પોલીસકર્મીઓ કોરોના વાઈરસ લોકડાઉન દરમિયાન લોકોને સુરક્ષિત રાખવા માટે પોતાની અંગત જરૂરિયાતોનું બલિદાન આપી રહ્યા છે અને પોતાની ફરજ પ્રશંસનીય રીતે બજાવી રહ્યા છે એની સરાહના કરીને આ કલાકારોએ પોતપોતાના ટ્વિટર હેન્ડલ પર મુંબઈ પોલીસનો આભાર માનતા શબ્દો પોસ્ટ કર્યા છે.

આલિયાએ ટ્વીટમાં મુંબઈ પોલીસનો એક વિડિયો શેર કરીને લખ્યું છેઃ અન્ય નાગરિકો જેટલા આ લોકો નસીબદાર નથી. નાગરિકો તો લોકડાઉનમાં પોતપોતાના ઘરમાં રહે છે. થેંક્યૂ મુંબઈ પોલીસ, અમારો પ્રેમ અને આભાર વ્યક્ત કરવા માટે શબ્દો વર્ણવી શકતા નથી. આપણે સૌ ઘરમાં જ રહીએ, એમને માટે.

અક્ષય કુમારે એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં એ જણાવે છે કે પોલીસો બંદોબસ્ત જાળવવામાં કેટલી મહેનત કરે છે. અક્ષયે લખ્યું પણ છે કે, આ લોકોનું એક એવું આર્મી છે જે આપણને અને આપણા પરિવારોને સુરક્ષિત રાખવા માટે દિવસ-રાત કામ કરે છે. ચાલો આપણે સાથે મળીને એમને કહીએ – દિલ સે થેંક્યૂ.’

શાહિદ કપૂરે ટ્વીટ કર્યું છેઃ આપણા સપનાંઓને સુરક્ષિત રાખવા માટે તેઓ એમના સપનાંઓનું બલિદાન આપી રહ્યાં છે. થેંક્યૂ મુંબઈ પોલીસ. અમે તમારા ખૂબ ઋણી છીએ.

ટાઈગર શ્રોફે ટ્વિટર પર લખ્યું છે કે, મુંબઈ પોલીસ તમારો ખૂબ ખૂબ આભાર, અમે ભાગ્યશાળી છીએ કે તમે અમારી સાથે છો.

અર્જૂન કપૂરે ટ્વીટમાં લખ્યું છેઃ અમે શબ્દોમાં મુંબઈ પોલીસનો પૂરતો આભાર માની શકીએ એમ નથી. છતાં એ હકીકતને માનવી જ પડશે કે તેઓ દરરોજ હાજર હોય છે, જેને કારણે બધું સરળતાથી ચાલે છે, તેઓ આપણને સુરક્ષિત રાખવા માટે કાયમ હાજર રહે છે. મારા હૃદયના અંતરમાંથી આપનો આભાર મુંબઈ પોલીસ… સુરક્ષિત રહો, જય હિંદ.