જીવદયાને પણ નથી નડતું લોકડાઉન

રાજકોટ: માણસો માટે તો રસોડાં ખૂલ્યાં. ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ પણ ધમધોકાર ચાલે છે. કોઇને હવે ખાવાનો તો પ્રશ્ન નથી, પણ પશુ-પક્ષીનું શું? લોકડાઉનની અસર માણસને શું થાય એની ચર્ચા થઇ, પરંતુ ગાય,કૂતરાં,ચકલી,કાબરનું શું?

જીવદયા ક્ષેત્રે ગુજરાતભરમાં જેના ઉદાહરણ અપાય છે એવા કરુણા ફાઉન્ડેશન, એનિમલ હેલ્પલાઇન દ્વારા આ પ્રશ્નના નિરાકરણનું આયોજન થયું અને અમલ શરુ થયો.

શ્રીજી ગૌશાળાના માધ્યમથી ગૌ સેવા, ગૌ સંસ્કૃતિના પ્રચાર માટે સતત કાર્યરત રમેશભાઇ ઠક્કરના માર્ગદર્શનમાં બે યુવાન મિતલ ખેતાણી અને પ્રતીક સંઘાણીએ ટીમને કામે લગાડી. કીડી થઇ લઇને હાથી સુધીનું કોઇ પશુ-પ્રાણી ભૂખ્યું અને માંદું ન રહે એવી કોશિશ કરાઇ રહી છે. મિતલ ખેતાણી ચિત્રલેખા.કોમ સાથે આખી વાત કરતાં કહે છે, શહેરભરના 42 ચબુતરામાં અમે પાણી દરરોજ ઠલવીએ છીએ એટલે કોઇ પક્ષી તરસ્યું ન રહે.

દરરોજ 3 હજાર કીલો ચણ અલગ અલગ વિસ્તારમાં પહોંચે છે. કારણ કે જ્યાં જ્યાં આવા જાહેર સ્થળ ચણ નાંખવા માટેના છે ત્યાં લોકો જઇ શકતા નથી. પક્ષી તો એના સમયે ત્યાં પહોંચે. એટલે ત્યાં ચણ હોવું જરુરી છે. શહેરના વિવિધ જળાશયોમાં દરરોજ સિત્તેર કીલો લોટની ગોળી નાંખવામાં આવે છે એટલે માછલીને ખોરાક મળી રહે.આ ઉપરાંત ગૌ શાળામાં અને ખાસ તો રખડતી ગાયોને મળી રહે એટલા માટે ઘાસનું વિતરણ કરીએ છીએ. દરરોજ 800 મણ ઘાસ વિવિધ વિસ્તારમાં પહોંચે છે. અત્યારે હોટલ કે પ્રસંગના એંઠવાડ બહાર ફેંકાવાનું બંધ થઇ ગયું. રખડતી ગાય તો એના પર આધારિત હોય એટલે એના ખોરાકની વ્યવસ્થા ખાસ કરવી પડે.

ગાય કે અન્ય કોઇ પ્રાણી બીમાર પડે તો એના માટે એમ્બ્યુલન્સ પણ ચાલુ છે. આ તમામ કામ માટે કુલ અઢાર વાહન દોડી રહ્યાં છે. પશુ દવાખાના પણ બંધ છે. રસ્તે રઝળતાં પશુ વિશે માહિતી પણ કોણ આપે એટલે અમારાં વાહન સતત ચાલુ છે. કરુણા ફાઉન્ડેશનનો અન્ય સદસ્ય પ્રતીક સંઘાણી કહે છે, અમે સંસ્થાકીય રીતે તો આ કરીએ પણ લોકો પણ કાયદાની મર્યાદામાં રહીને આ કામ કરી શકે. ભલે ઘરની બહાર ન નીકળવાનું હોય પણ પોતાના ઘરની નીચે, શેરીમાં ગાય કે કુતરાંને તો ખોરાક આપી શકે ને, ચકલી કે અન્ય પક્ષીઓ માટે ચણ કે પાણીની વ્યવસ્થા કરી શકે ને. અમે તો રાજકોટમાં આ કરીએ છીએ. અન્ય જિલ્લા, શહેરમાં આ પ્રવૃત્તિ શરુ થાય તો સારું.

સમગ્ર પ્રવૃત્તિના પ્રણેતા રમેશભાઇ ઠક્કર ગૌ સેવા માટે જાણીતું નામ છે. ચિત્રલેખાને એ કહે છે, માણસની જિંદગી જેટલી જ આ પશુઓની જિંદગી મહત્વની છે. જો એમને ખવરાવશું-પીવરાવશું નહીં તો એમના મૃતદેહો પણ જોવા મળશે. અમે સૌને યથાશક્તિ પોતાની રીતે આ કામ કરવા અનુરોધ કરીએ છીએ. ક્યાંય પૈસાનું દાન દીધા વગર પોતાના ઘરે પણ આ થઇ શકે એમ છે.

(જ્વલંત છાયા-રાજકોટ)