રાજકોટ: યુ.એન.એમ. ફાઉન્ડેશનની કલાત્મક પહેલ ‘અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ વધુ એકવાર શહેરમાં પરત ફર્યો છે. આ કલાત્મક પ્રોજેક્ટમાં અમદાવાદ, મુંબઈ અને રાજકોટના પ્રતિભાશાળી કલાકારો નૃત્ય, સંગીત અને રંગમંચ ક્ષેત્રે પોતાની સર્જનાત્મક અને મનમોહક પ્રસ્તુતિઓ રજૂ કરશે.
આ કાર્યક્રમ આગામી ૧૬ અને ૧૭ મેના રોજ હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. જ્યાં કલારસિકોને દર સાંજે રાત્રે ૮:૩૦ વાગ્યે અને ૧૦:૦૦ વાગ્યે બે વિશિષ્ટ પ્રસ્તુતિઓ નિહાળવાનો અવસર મળશે.
‘અભિવ્યક્તિ’ માત્ર કલાકારોને તેમની કલા રજૂ કરવા માટે ઉત્તમ મંચ જ પૂરું પાડતું નથી, પરંતુ તેમને માર્ગદર્શન, પ્રોત્સાહન અને સર્જનાત્મક અભિવ્યક્તિ માટે અનોખું માધ્યમ પણ બને છે. સાથે જ કલાને દરેક સુધી સરળતાથી પહોંચાડવાના ઉદ્દેશ સાથે કાર્યક્રમમાં દર્શકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
૧૬ મેના રોજ અમદાવાદના રંગમંચના જાણીતા કલાકાર આલાપ ત્રિપાઠી તેમની વ્યંગ્યરસથી ભરપૂર નાટ્યપ્રસ્તુતિ “લાઇફ ઑફ લાલુ” રજૂ કરશે. ત્યારબાદ મુંબઈના પ્રતિભાશાળી સંગીતકાર અત્રી કોટલ ભારતીય શાસ્ત્રીય અને ફ્યુઝનના અનોખા સમન્વયરૂપ ‘સુર્વણ’ પ્રસ્તુતિ દ્વારા સંગીતરસિકોને મંત્રમુગ્ધ કરશે.
૧૭ મેના રોજ ભરતનાટ્યમ નૃત્યાંગના ધારા રુઘાણી પોતાની અભિવ્યક્તિપૂર્ણ નૃત્યરચના “ધાગ સંવાદ” રજૂ કરશે, ત્યારબાદ અમદાવાદના લોકપ્રિય કલાકાર કાર્તિક ડોડિયા ગુજરાતી લોકસંગીત આધારિત “રંગ મેઘાણી” પ્રસ્તુતિ દ્વારા લોકસંસ્કૃતિની સુગંધ પ્રસરાવશે.
ધારા રુઘાની દ્વારા લખાયેલ ધાગ સંવાદ અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિમાં પ્રીમિયર થયું હતું, જ્યારે બાકીના સાતમી આવૃત્તિના છે. આ નિર્માણો પ્રખ્યાત નિષ્ણાતો – માનસી મોદી (નૃત્ય- આવૃત્તિ 6), તાપસ રેલિયા (સંગીત- આવૃત્તિ 7) અને ગુરલીન જજ (થિયેટર- આવૃત્તિ 7) દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યા છે, જેમાં ક્રુતિ મહેશ (નૃત્ય), રજત ધોળકિયા (સંગીત) અને સૌમ્ય જોશી (થિયેટર) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.




