સુરત: આગામી ૫મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક ભવ્ય કાર્યક્રમને સંબોધિત કરવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આ કાર્યક્રમમાં પર્યાવરણ જતનને પ્રાધાન્ય આપતાં પ્લાસ્ટિકમુક્ત ‘ગ્રીન પ્રોટોકોલ’નો અમલ કર્યો છે.
સામાન્ય રીતે વપરાતા પ્લાસ્ટિક કે ફ્લેક્સ બેનરોના સ્થાને આ મેગા ઇવેન્ટમાં સંપૂર્ણપણે કુદરતી સામગ્રીમાંથી બનેલું સ્ટેજ બેકડ્રોપ આકર્ષણનું કેન્દ્ર બનશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇન આર્ટસના ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસરો – કૃતિબેન પટેલ, કિનલબેન પટેલ, માનસીબેન ચાંદિવાલા અને ૧૫ વિદ્યાર્થીઓની ટીમે રાત-દિવસ એક કરીને ૪૮ બાય ૧૪ ફૂટનું ભવ્ય હેન્ડમેડ બેકડ્રોપ તૈયાર કર્યું છે.
સુરતના ટેક્સટાઇલ હબના ગૌરવને ઉજાગર કરતા આ આર્ટવર્કમાં વાંસના માળખા પર ગુજરાતની પરંપરાગત કલાઓ જેવી કે ભાતીગળ બાંધણી, અજરખ પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ અને આભલા વર્ક (મિરર વર્ક) નો અદ્ભુત સમન્વય કરવામાં આવ્યો છે. 
શૂન્ય ટકા પ્લાસ્ટિક અને સો ટકા કુદરતી સામગ્રીથી બનેલું આ બેકડ્રોપ દેશભરમાં પ્રકૃતિ સંરક્ષણ અને સસ્ટેનેબિલિટીનો એક વિરાટ સંદેશ આપશે.






