મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાએ અભિનેત્રી અને ફિલ્મ નિર્માત્રી તરીકે ભારતીય સિનેમા ક્ષેત્રમાં આપેલા યોગદાન તેમજ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમ પંજાબ કિંગ્સ સાથે સંકળાઈને બિઝનેસ જગતમાં આપેલા પ્રદાન બદલ બ્રિટનની બર્મિંઘમ સિટી યૂનિવર્સિટીએ એને ડોક્ટરેટની માનદ્દ પદવીથી સમ્માનિત કરી છે. આ બહુમાન માટે પ્રીતિનાં નામની જાહેરાત વેસ્ટ મિડલેન્ડ્સ કમ્બાઈન્ડ ઓથોરિટી (WMCA) અને પ્રદેશના મેયર એન્ડી સ્ટ્રીટ દ્વારા કરવામાં આવી છે. પ્રીતિ વિશેષ દિવાળી ઉજવણી માટે આ સપ્તાહાંતે બર્મિંઘમ જવાની છે. કહેવાય છે કે પ્રીતિને આ માનદ્દ પદવી આવતા વર્ષે ભારતમાં વિધિસર એનાયત કરવામાં આવશે.
મેયર એન્ડી સ્ટ્રીટ WMCA સંસ્થાના ચેરમેન પણ છે. આવતા શનિવાર અને રવિવારે બર્મિંઘમમાં દિવાળી ઉજવણી કાર્યક્રમનું આયોજન બ્રિટનસ્થિત ભારતીય કોન્સ્યૂલેટ જનરલના સંગાથમાં કરવામાં આવનાર છે. એ પ્રસંગે બર્મિંઘમ ટાઉન હોલ ખાતે ભવ્ય ડિનર કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
પોતાને ડોક્ટરેટની માનદ્દ પદવી અપાયાના સમાચાર વિશે પ્રત્યાઘાત આપતાં 48 વર્ષીય પ્રીતિએ કહ્યું કે, ‘બીસીયૂ તરફથી આ માનદ્દ પદવી માટે મને પસંદ કરાઈ છે તે બદલ હું મારું ગૌરવ સમજું છું. બર્મિંઘમમાં દિવાળી ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થઈશ એ માટે હું રોમાંચિત છું. બર્મિંઘમની મુલાકાતે જવા હું ઉત્સૂક છું.’
બર્મિંઘમમાં પ્રીતિ શહેરની કોલેજો અને યૂનિવર્સિટીઓમાં ભણતાં સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને મળશે. તે છેલ્લે એક દાયકા પહેલાં બ્રિટનની મુલાકાતે ગઈ હતી. ત્યારે એ ઓક્સફોર્ડ યૂનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને મળી હતી અને ઓક્સફોર્ડ યૂનિયન સોસાયટી ખાતે સંબોધન પણ કર્યું હતું.
