નવી દિલ્હીઃ કોંગ્રેસના સર્વોચ્ચ નીતિ નિર્ધારક એકમ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) શનિવારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) મુદ્દે ચર્ચા કરીને આગળની વ્યૂહરચના નક્કી કરશે. કોંગ્રેસ વર્કિંગ કમિટી પોતાની બેઠકમાં મનરેગા મુદ્દે સરકારને ઘેરવા માટે કેટલાક કાર્યક્રમો પર નિર્ણય લે એવી શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
બેઠકમાં કોણ-કોણ સામેલ રહેશે?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં કોંગ્રેસ સંસદીય દળની અધ્યક્ષા સોનિયા ગાંધી, લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી વડરા, જયરામ રમેશ અને અન્ય અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહેવાની શક્યતા છે.
કોંગ્રેસનો આરોપ છે કે ‘વિકસિત ભારત–જી રામ જી અધિનિયમ’ મારફતે મનરેગાને ખતમ કરી દેવામાં આવ્યું છે અને આ યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવું રાષ્ટ્રપિતાનું અપમાન છે. પાર્ટીનાં ભૂતપૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ 20 ડિસેમ્બરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું છે અને કરોડો ખેડૂતો, શ્રમિકો તથા ભૂમિહીન ગ્રામીણ ગરીબ વર્ગનાં હિતો પર હુમલો કર્યો છે. તેમણે એ પણ કહ્યું હતું કે પાર્ટી નવા “કાળા કાયદા” સામે લડત માટે પ્રતિબદ્ધ છે.
કેન્દ્ર પર ખડગેનો પ્રહાર
સંસદમાં વીજી રામ જી બિલ પસાર થયા બાદ ખડગેએ આરોપ મૂક્યો હતો કે મનરેગાનું માત્ર નામ બદલવામાં નથી આવી રહ્યું, પરંતુ આ યોજનાની “યોજનાબદ્ધ હત્યા” કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે વિદેશી ધરતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાઓ પર ફૂલ ચઢાવવું માત્ર દેખાવ પૂરતું છે.
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જી રામ જી અધિનિયમ રાજ્યો અને ગામડાંઓના વિરોધમાં છે અને તેને પાછું ખેંચાવવા માટે સરકારને મજબૂર કરવાના હેતુથી એક રાષ્ટ્રવ્યાપી મોરચો બનાવવામાં આવશે. સંસદે વિરોધ પક્ષના હોબાળા વચ્ચે 18 ડિસેમ્બરે ‘વિકસિત ભારત–જી રામ જી વિધેયક, 2025’ને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સંમતિ બાદ હવે આ અધિનિયમ બની ચૂક્યો છે. આ કાયદો 20 વર્ષ જૂના મનરેગાની જગ્યાએ લાગુ થશે.


