નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની જેમ પર હવે ભારત સરકાર પણ બાળકો અને કિશોરો માટે સોશિયલ મિડિયા પર વય આધારિત પ્રતિબંધ લગાવવાને મુદ્દે ગંભીરતાથી વિચાર કરી રહી છે. દિલ્હીમાં ચાલી રહેલા ‘AI ઇમ્પેક્ટ સમિટ 2026’ દરમિયાન કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ખાતરી આપી કે સરકાર હાલમાં વિવિધ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ સાથે આ મુદ્દે ચર્ચા કરી રહી છે.
વૈશ્વિક ટ્રેન્ડ સાથે આગળ વધશે ભારત
તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વિશ્વના ઘણા દેશોએ હવે સ્વીકારી લીધું છે કે સોશિયલ મિડિયા માટે વય મર્યાદા નક્કી કરવી જરૂરી છે. તેમણે કહ્યું હતું કે સરકાર હાલ ડીપફેક અને વય મર્યાદા જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે. સરકારનો હેતુ આ નિયમોને લાગુ કરવાનો “યોગ્ય અને અસરકારક રસ્તો” શોધવાનો છે, જેથી બાળકોને ડિજિટલ દુનિયાનાં જોખમોથી સુરક્ષિત રાખી શકાય.
ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોનાં ઉદાહરણ
ભારતનું આ પગલું તેવા વૈશ્વિક દેશોથી પ્રેરિત છે, જેઓ પહેલેથી જ આવા કડક કાયદા બનાવી ચૂક્યા છે. ડિસેમ્બર, 2025માં ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મિડિયા સંપૂર્ણપણે પ્રતિબંધિત કરનાર વિશ્વનો પહેલો દેશ બન્યો. ડેન્માર્કે 15 વર્ષ અને સ્પેને તાજેતરમાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પર પ્રતિબંધના નિયમોને મંજૂરી આપી છે. ડીપફેક, ‘ડિજિટલ અરેસ્ટ’ અને ઓનલાઇન બ્લેકમેઇલિંગ જેવા કેસોમાં ઝડપથી વધારો થવાને કારણે ભારત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે.
મોટી ટેક કંપનીઓ પર પડશે મોટી અસર
દેશની વસ્તી 140 કરોડથી વધુ છે અને અહીં મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ) અને ગૂગલ (યૂટ્યુબ) જેવાં પ્લેટફોર્મ્સનો વિશ્વમાં સૌથી મોટો યુઝર આધાર છે. જો ભારત ઉંમર આધારિત પ્રતિબંધ લાગુ કરે છે, તો આ ટેક દિગ્ગજો પર મોટી વેપારી અસર પડી શકે છે. જોકે કેન્દ્રીય મંત્રીએ હજી સુધી કોઈ ચોક્કસ કંપની કે પ્લેટફોર્મનું નામ લીધું નથી, પરંતુ સુરક્ષાના દ્રષ્ટિકોણથી નિયમન જરૂરી હોવાનું સ્પષ્ટ કર્યું છે.




