નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા મુદ્દે ભારે વિવાદ ઊભો થયો છે. આ જ મુદ્દા સંબંધિત એક કેસમાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી આજે સુપ્રીમ કોર્ટમાં હાજર થવાની છે. મમતા બેનર્જી આ કેસ પોતે જ લડી રહ્યાં છે અને આ મામલે પોતે જ અરજદાર પણ છે. સંસદના બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે.
મમતા સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ પોતે લડનાર દેશની પ્રથમ હાલની મુખ્ય મંત્રી બની શકે છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચ મોસ્ટારી બાનુ તેમ જ TMCના સાંસદ ડેરેક ઓ’બ્રાયન અને ડોલા સેન દ્વારા દાખલ કરાયેલી ત્રણ અરજીઓ પર સુનાવણી કરશે.
મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ પણ આ મુદ્દે એક અલગ અરજી દાખલ કરી છે. જોકે તેમની અરજી હાલ બુધવારની કોઝ લિસ્ટમાં સામેલ નથી. મુખ્યમંત્રી બેનર્જી પાસે LLBની ડિગ્રી છે. તેઓ SIR મુદ્દે પોતાના તર્ક રજૂ કરી શકે છે.
19 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે અનેક નિર્દેશો આપ્યા હતા. તેમાં જણાવવાયું હતું કે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ અને કોઈને પણ અસુવિધા ન થવી જોઈએ. મમતા બેનર્જીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે SIRથી પ્રભાવિત લોકોને પોતાનો બચાવ કરવાની તક આપવામાં આવી રહી નથી. તેમણે વિધાનસભાની ચૂંટણીથી થોડા સમય પહેલાં રાજ્યોમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવા પર પણ સવાલ ઉઠાવ્યો હતો.


