બેંગલુરુઃ કર્ણાટકના મુખ્ય પ્રધાનપદને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે ફરી જણાવ્યું હતું કે હાઇકમાન્ડ, મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને ઉપ મુખ્ય પ્રધાન ડી.કે. શિવકુમાર વચ્ચે ચર્ચા બાદ જ નિર્ણય લેવામાં આવશે.
વાસ્તવમાં 20 નવેમ્બરે કર્ણાટક સરકારે પોતાના પાંચ વર્ષની અવધિના અડધા કાર્યકાળે પ્રવેશ કર્યો ત્યારથી આ અટકળોએ જોર પકડ્યું છે. એ દરમિયાન, બેંગલુરુમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ખડગેએ કહ્યું હતું કે આ એક સામૂહિક નિર્ણય હશે. તેમણે સંવાદદાતાઓને કહ્યું હતું કે હું સૌને બોલાવીને ચર્ચા કરીશ. તે ચર્ચામાં રાહુલ ગાંધીએ પણ હાજર રહેશે. અન્ય સભ્યો પણ હાજર રહેશે. મુખ્ય પ્રધાન અને ઉપ મુખ્ય પ્રધાન પણ હાજર રહેશે. સૌ સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવશે. એક ટીમ છે. હું એકલો નથી. આખી હાઈકમાન્ડ ટીમ ચર્ચા કરશે અને નિર્ણય કરશે.
ಕೊಟ್ಟ ಮಾತು ಉಳಿಸಿಕೊಳ್ಳುವುದೇ ವಿಶ್ವದಲ್ಲಿರುವ ದೊಡ್ಡ ಶಕ್ತಿ! pic.twitter.com/klregNRUtv
— DK Shivakumar (@DKShivakumar) November 27, 2025
આ પહેલાં આજે ઉપ મુખ્ય પ્રધાન ડી.કે.શિવકુમારે પોતાના અને મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા વચ્ચે સત્તા સંઘર્ષની અટકળો વચ્ચે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે ફરી કહ્યું હતું કે પોતાના શબ્દ પર ટકી રહેવું એ દુનિયાની સૌથી મોટી શક્તિ છે.
આ પોસ્ટ જે કોંગ્રેસ હાઈકમાનને સંકેત કરતી હોય તેવું લાગે છે, તેમાં ડી.કે. શિવકુમારે પોતાની સાથે તમામને પોતાનાં વચનો નિભાવવા આહ્વાન કર્યું છે. આ પોસ્ટમાં લખ્યું હતું કે શબ્દ શક્તિ જ વિશ્વ શક્તિ છે. દુનિયામાં સૌથી મોટી શક્તિ છે પોતાના શબ્દ પર અડગ રહેવું. તે ન્યાયાધીશ હોય, પ્રમુખ હોય કે કોઈ પણ, જેમાં હું પણ સામેલ છું, તમામે પોતાના શબ્દ પર ચાલવું જોઈએ.

બુધવારે સિનિયર કોંગ્રેસ વિધાનસભ્ય અને પૂર્વ મંત્રી કે.એન. રાજન્નાએ કહ્યું હતું કે કોંગ્રેસ વિધાનસભ્ય દળે (CLP) જ મુખ્ય પ્રધાનનો નિર્ણય કરવો જોઈએ અને વિધાનસભા ભંગ કરી ચૂંટણીનો સામનો કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ વિધાનસભ્ય દળે જ સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કર્યા હતા.


