રિલાયન્સના અધિકારીઓના પગારમાં કાપ; મુકેશ અંબાણી પગાર નહીં લે

મુંબઈઃ કોરોના વાઈરસને કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે ઉદ્યોગક્ષેત્રને કારમો ફટકો પડ્યો છે. આને કારણે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેના મોટા ભાગના કર્મચારીઓના પગારમાં 10થી લઈને 50 ટકા સુધીનો કાપ મૂકવાનો નિર્ણય લીધો છે અને કંપનીના ચેરમેન તથા સૌથી શ્રીમંત ભારતીય મુકેશ અંબાણી એમનો સંપૂર્ણ પગાર જતો કરશે.

ક્રુડ તેલથી લઈને ટેક્નોલોજી પૂરી પાડતા રિલાયન્સ ગ્રુપે વાર્ષિક રોકડ બોનસ અને પરફોર્મન્સ-સંકલિત લાભો આપવાનું મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે, આ ચૂકવણી વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કરાય છે.

ભારતમાં દેશવ્યાપી લોકડાઉન 25 માર્ચથી શરૂ થયું છે. આને કારણે કારખાનાઓ, ઓફિસો બંધ છે, વિમાન સેવા સ્થગિત છે, ટ્રેનસેવા અટકાવી દેવામાં આવી છે તેમજ લોકોની અવરજવર તથા માલસામાનની હેરફેર ઉપર નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. કારખાનાઓ બંધ હોવાથી માલની માગણી ઠપ છે.

રીફાઈન્ડ પ્રોડક્ટ્સ અને પેટ્રોકેમિકલ્સ માટેની માગણી ઘટી જવાને કારણે રિલાયન્સના હાઈડ્રોકાર્બન બિઝનેસને મોટો ફટકો પડ્યો છે.

રિલાયન્સ કંપનીના વિવિધ વિભાગોના વડાઓએ પગારમાં કાપ મૂકાયા વિશેની જાણકારી એમના કર્મચારીઓને કરી દીધી છે.

ઓપરેટિંગ ખર્ચમાં અને ફિક્સ્ડ ખર્ચાઓમાં કાપ મૂકવાની જરૂર ઊભી થવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, એમ કર્મચારીઓને મોકલવામાં આવેલા સંદેશામાં જણાવાયું છે.

મુકેશ અંબાણી પોતે રૂ. 15 કરોડનું એમનું સંપૂર્ણ વેતન જતું કરવાના છે. જ્યારે એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરો સહિત રિલાયન્સના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, એક્ઝિક્યૂટિવ કમિટી સભ્યો અને સિનિયર અધિકારીઓ એમના પગારનો 30 થી 50 ટકા હિસ્સો જતો કરશે.

જેમનો પગાર રૂ. 15 લાખથી ઓછો હશે એમના પગારમાં કોઈ કાપ મૂકવામાં નહીં આવે, પરંતુ એનાથી વધારે કમાતા લોકોના પગારમાં ફિક્સ્ડ પેમાં 10 ટકાનો કાપ મૂકાશે.

મુકેશ અંબાણી ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે દર વર્ષે રૂ. 15 કરોડનું વેતન લે છે. એમનું વેતન 2008-09ની સાલથી યથાવત્ રહ્યું છે. તેમ કરીને એ દર વર્ષે રૂ. 24 કરોડ જતા કરે છે.

કંપનીએ કહ્યું છે કે અમે આર્થિક તથા વ્યાપાર પરિસ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા છીએ અને પરિસ્થિતિમાં બદલાવને અનુરૂપ અમારા વલણમાં પુનઃમૂલ્યાંકન કરીશું તેમજ આપણા બિઝનેસની આર્થિક ક્ષમતાને સુધારવાનો પ્રયત્ન કરીશું.